[[$googlead]]
13 જાન્યુઆરીથી પ્રયાગરાજમાં મહાકુંભની શરૂઆત થવા જઇ રહી છે ત્યારે સંગમની રેતી તપસ્વી સંતો અને મુનિઓથી ગુંજી ઉઠી છે. અંહી મોટી સંખ્યામાં સાધુ સંતો અને નાગા બાવા આવી પહોંચ્યા છે. તેઓની સાધના જોઈને ખરેખર આશ્ચર્ય થાય. મનમાં અપાર શ્રદ્ધા પણ જન્મે. ત્યારે આવા જ એક સાધુની આકરી તપસ્યા વિશે જાણીએ.
કકડતી ઠંડીમાં 51 ઘડાથી સ્નાન
રાજસ્થાનના સેક્ટર-20માં શ્રી શંભુ પંચાયતી અટલ અખાડાના નાગા બાબા પ્રમોદ ગીરીજી મહારાજ એક અનોખા ધ્યાનમાં મગ્ન છે. તેઓ દરરોજ સવારે 4:15 કલાકે તે 51 માટીના વાસણોમાં રાખેલા ગંગા જળથી સ્નાન કરે છે. એક તો પાછો શિયાળો અને બીજુ કે ઠંડા પાણીથી સ્નાન. આટલી વહેલી સવાર હોય એટલે કેવી જબરદસ્ત ઠંડી હોય. વળી રાજસ્થાનમાં તો ઠંડીની વાત જ શું કરવી. આવી ઠંડીમાં તેઓ ઠંડા પાણી ભરેલા 51 ઘડાઓથી સ્નાન કરે છે.
51 ઘડા રાત્રે ભરી દે
વિશ્વ શાંતિ અને ભારતના કલ્યાણ માટે બાબા નવ વર્ષથી આ સાધનામાં વ્યસ્ત છે. તેમના ભક્તો ગંગા જળથી 51 ઘડા ભરીને રાત્રે રાખે છે. આ પછી બાબા વહેલી સવારે સ્નાન કરે છે. બાબા કહે છે કે, પ્રથમ દિવસે શુક્રવારે સ્નાન થયું હતું. સ્નાન દરમિયાન બાબા એક વિશેષ આસન પર બેસે છે અને ભક્તો તેમની પર એકબાદ એક 51 ઘડાથી સ્નાન કરાવે છે. આ અનોખી સાધના 21 દિવસ સુધી ચાલુ રહેશે.
108 ઘડાથી કરશે સ્નાન
આ અંગે પ્રમોદગીરી મહારાજે જણાવ્યું કે દર બીજા દિવસે ઘડાઓની સંખ્યા વધતી જાય છે. કોઇ દિવસ બે તો કોઇ દિવસ 3 ઘડા વધે છે. એમ કરીને સાધનાના અંતિમ દિવસે ઘડાઓની સંખ્યા 108 થઈ જશે. બાબા નવ વર્ષથી શિયાળામાં ઠંડા પાણી અને ઉનાળામાં ગરમ પાણીથી સ્નાન કરે છે.









