પ્રયાગરાજ મહાકુંભમાં માઘ મેળા અને સંગમ સ્નાન દરમિયાન, મહિલાઓ સ્નાન કરતી હતી અને કપડાં બદલી રહી હતી ત્યારે કેટલાક અસામાજિક તત્વો દ્વારા ગુપ્ત રીતે લેવામાં આવેલા ફોટા અને વિડિયો સોશિયલ મીડિયા પર વેચાઈ રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવી રહ્યા છે. પ્રયાગરાજ ડીઆઈજી વૈભવ કૃષ્ણાએ આ સમગ્ર મામલે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે.


અસામાજિક તત્વો દ્વારા અસામાજિક કૃત્ય 

પ્રાપ્ત માહિતી અનુસાર પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આસ્થાની ડૂબકી લગાવવા આવતા હોય છે. ત્યારે મહિલાઓના સંગમ સ્નાન દરમિયાનના અને કપડાં બદલવાના ફોટા અને વિડિયો કેટલાક અસામાજિક તત્વો દ્વારા લેવામાં આવ્યા હતા. આ ફોટા અને વિડિયોને સોશિયલ મીડિયા પર વિવિધ જગ્યાએ અપલોડ કરી ઊંચા રૂપિયાથી વેચવામાં આવે છે. ત્યારે પ્રયાગરાજ પોલીસ આ મામલે હરકતમાં આવી હતી. પ્રયાગરાજ ડીઆઈજી વૈભવ કૃષ્ણાએ કહ્યું કે આવી પ્રવૃત્તિઓમાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ખાસ કરીને આવા વીડિયો અને ફોટા અપલોડ, વેચાણ અને ખરીદનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસની ટેકનિકલ ટીમ ટેલિગ્રામ ચેનલો અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મની ઓળખ કરી રહી છે જ્યાં આ વાંધાજનક સામગ્રી વેચાઈ રહી છે.

મહિલાઓના ફોટા અને વિડિયો અપલોડ કરનારને બક્ષવામાં આવશે નહિ

આ મામલે પ્રયાગરાજ પોલીસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની કંપનીઓની પણ મદદ લઈ રહી છે, જેથી આ એકાઉન્ટ્સનું સંચાલન કરનારાઓ સુધી પહોંચી શકાય. ડીઆઈજીએ સ્પષ્ટપણે કહ્યું છે કે પરવાનગી વિના સોશિયલ મીડિયા પર કોઈના અંગત ફોટા કે વીડિયો અપલોડ કરવો એ ગંભીર ગુનો છે અને તેમાં સામેલ લોકોને બક્ષવામાં આવશે નહીં. આ ફોટા અને વિડિયો ખરીદનારાઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ટેલિગ્રામ અને અન્ય પ્લેટફોર્મ પર આ વીડિયો ખરીદનારા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. ડીઆઈજી વૈભવ કૃષ્ણાએ સ્પષ્ટતા કરી હતી કે આરોપીઓને પકડવા માટે ટેકનિકલ ઈન્ટેલિજન્સ અને ડિજિટલ સર્વેલન્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ટૂંક સમયમાં આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ગુજરાતના રાજકોટમાં એક હોસ્પિટલના cctv હેક કરી વિડિયો વેચવાનો મામલો

રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલના મહિલાઓની સારવાર દરમિયાનના સીસીટીવી youtube અને ટેલિગ્રામ પર વાયરલ થતા સાયબર ક્રાઇમની સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલ સક્રિય થયો અને આ વિડીયો વાયરલ કરનાર  આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા આરોપીઓ હોસ્પિટલ અને મોલના સીસીટીવી ક્યુ આર કોડના ફોર્મમાં 2000 રૂપિયા કે તેનાથી વધુના ભાવે વેચાણ કરતા હતા. જે વિડિયો વિકૃત માનસિકતા ધરાવતા લોકો ખરીદી અલગ અલગ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર વાયરલ કરતા હોવાનું સામે આવ્યું છે.


  • Follow us on: