પ્રયાગરાજમાં મહાકુંભનો મેળો ચાલી રહ્યો છે. ત્યારે મહાકુંભ મેળા ક્ષેત્રના ટેંટમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. અનેક ટેંટ બળીને ખાખ થઇ ગયા છે. ફાયર ફાઇટરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. આગ ઓલવવાની કામગીરી ચાલી રહી છે. શાસ્ત્રીપુલ પાસે ભયંકર આગ લાગી છે. કહેવામાં આવી રહ્યું છે કે મહાકુંભ મેળા ક્ષેત્રના શાસ્ત્રી બ્રિજ સેક્ટર 19 કેમ્પમાં ભીષણ આગ લાગી છે. એટલી મોટી આગ લાગી છે કે ભીષણ આગાના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળી રહ્યા છે. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો છે.
જો કે ફાયર ફાઇટર દ્વારા સતર્કતા દાખવતા હાલમાં આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે. રેલવે પુલની નીચે આવેલા ટેંટમાં આગ લાગી હતી. આગ લાગવાનું કારણ ચોક્કસ સામે આવ્યુ નથી. પરંતુ સિલેન્ડરમાં બ્લાસ્ટ થયો હોવાની આશંકા છે. સતત પાણીનો મારો ચલાવતા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે. ફાયર વિભાગની 6 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. આગમાં કોઇ જાનહાનિ થઇ હોવાનું સામે આવ્યું નથી.
મહત્વનું છે કે આ વીઆઇપી ટેન્ટ છે જેમાં આગ લાગી છે. આગ પર કાબૂ તો મેળવી લેવાયો છે પરંતુ સુરક્ષાના ભાગરૂપે આસપાસના ટેન્ટ ખાલી કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે મહાકુંભ એ વૈશ્વિક અવસર છે. વિશ્વ ભરમાંથી કરોડોની સંખ્યામાં અહીં લોકો આવી પહોંચ્યા છે. કરોડોની સંખ્યામાં લોકો આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે. હાલ એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. આજે વળી રવિવાર હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા. જો કે વહીવટી તંત્ર દ્વારા સુરક્ષાને લઇને તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. પરિણામે આગ પર યુદ્ધના ધોરણે કાબૂ મેળવી લેવાયો હતો.
સીએમ યોગીએ લીધું સંજ્ઞાન
આગ સેક્ટર 19માં અખિલ ભારતીય ધર્મ સંઘ ગીતા પ્રેસ ગોરખપુરના કેમ્પમાં આગ લાગી હતી. આગની ઘટનાને લઇને યુપી સીએમ યોગી આદિત્યનાથે સંજ્ઞાન લીધુ છે. જિલ્લા પ્રશાસન દ્વારા કહેવામાં આવ્યું છે કે આગ પર કાબૂ મેળવી લીધો છે. આગને પગલે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.









