• મહાકુંભમાં 6000 પોલીસકર્મીઓ તૈનાત

  • 1200 પોલીસ કર્મીઓએ કરી રજા અરજીઓ
  • સાચા જરૂરિયાતમંદોને જ રજા અપાઈ રહી છે

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળો યોજાવા જઈ રહ્યો છે.જાન્યુઆરી અને ફેબ્રુઆરી એમ 45 દિવસ યોજાનાર મહાકુંભમાં કરોડો ભક્તો આવવાની આશા છે અને તેની તૈયારીઓ પણ ઉત્તર પ્રદેશ વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે એક આશ્ચર્યજનક બાબત તંત્ર અને પોલીસ વિભગની સામે આવી છે. 1200 જેટલા પોલીસકર્મીઓએ રજા માટે અરજી કરી છે જેમાંથી 700 જેટલા કર્મીઓએ પોતાની રજા અરજીમાં પત્નીની ગર્ભાવસ્થાનું કારણ આપ્યું છે.

મહાકુંભમાં મહા તૈયારીઓ

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 2025માં યોજાનાર મહાકુંભ મેળાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. કુંભમાં કરોડો ભક્તો આવવાની આશા છે અને તેમની સુરક્ષા માટે અલગ-અલગ રાજ્યોમાંથી હજારો પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. મહાકુંભમાં લગભગ 6000 જેટલા પોલીસકર્મીઓને ફરજ પર મુકાયા છે. આ માટે ઉત્તર પ્રદેશ ઉપરાંત આસપાસના રાજયોમાંથી પણ પોલીસને ફરજ પર મૂકવા બોલાવાયા છે. જેને લઈ 25 ઓક્ટોબરથી જ પોલીસકર્મીઓને ફરજ આપવાનું શરૂ થઈ ગયું હતું.

1200 પોલીસકર્મીઓની રજા અરજી

પ્રયાગરાજમાં કરોડો ભક્તો આવવાની આશા વચ્ચે યોગ્ય કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મોટા પ્રમાણમાં પોલીસ કર્મીઓની જરૂર પડે છે. ઉત્તર પ્રદેશ પોલીસ વિભાગ દ્વારા 6000 જેટલા પોલીસ કર્મીઓને ફરજ પર મૂક્યા છે. હવે આમાંથી 1200 પોલીસકર્મીઓએ ડિસેમ્બરમાં રજા માટે અરજી કરી છે.

રજા માટે આપ્યું પત્નીની પ્રેગ્નન્સીનું કારણ

રજા માટે અરજી કરનારા 1200 પોલીસકર્મીઓમાંથી અડધાથી વધુ એટલે કે 700 કર્મીઓએ આ કારણ આપ્યું છે. તેમની રજાનું કારણ તેમની પત્નીઓની ગર્ભાવસ્થા અથવા અન્ય બીમારી છે. કેટલાક પોલીસકર્મીની પત્ની જાન્યુઆરીમાં બાળકને જન્મ આપે તેવી ધારણા છે તો કોઈની પત્ની ડિસેમ્બરમાં જન્મ આપે તેવી શક્યતા છે. 250 પોલીસકર્મીઓએ તેમના માતા-પિતાની બીમારીના કારણે રજા માંગી છે. તો અન્ય કર્મીઓએ વિવિધ કારણો જેમ કે સંબંધીના તેરમીની વિધિ તથા અન્ય સામાજિક કાર્યક્રમોમાં હાજરી લીધે રજા આપવાનું કારણ દર્શાવ્યું છે.

રજાને કારણે મહાકુંભની સુરક્ષામાં ઊભો થઈ શકે અવરોધ

આ પ્રકારના અસામાન્ય વલણને લીધે મહાકુંભની સુરક્ષા વ્યવસ્થા જોતા અધિકારીઓ આશ્ચર્યમાં મૂકાઈ ગયા છે. આમાંના મોટાભાગના પોલીસકર્મીઓ 2018 અને 2023માં ભરતી થયેલા કોન્સ્ટેબલ છે. ઉત્તર પ્રદેશના લગભગ તમામ જિલ્લાના પોલીસકર્મીઓ આ ફરજનો ભાગ છે.

તંત્ર અસમંજસમાં - કોને આપવી રજા?

1200 પોલીસ કર્મીઓની રજા અરજીમાંથી કોની અરજી મંજૂર કરવી તે દુવિધામાં પોલીસ તંત્ર પડી ગયું છે. ત્યારે આવી સ્થિતિમાં માત્ર સાચા જરૂરિયાતમંદોને જ રજા આપવામાં આવે તેનું ધ્યાન પોલીસ તંત્ર રાખી રહ્યું છે. તંત્ર દ્વારા કેટલીક રજા અરજીઓ રદ કરવામાં આવી રહી છે. 13 જાન્યુઆરીથી મેળો શરૂ થવાનો છે અને જેમ જેમ તારીખ નજીક આવી રહી છે તેમ તેમ સંતો-મહંતો માટે પણ શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં સુરક્ષા તથા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે મોટાં અને પૂરતા પ્રમાણમાં પોલીસ કર્મચારીઓ ઉપલબ્ધ હોય તે ખૂબ જ જરૂરી છે.


  • Follow us on: