- મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં પોલીસને અક વિદેશી મહિલા મળી
- આ મહિલાને ઝાડ સાથે સાંકળથી બાંધવામાં આવી હતી
- અમેરિકન પાસપોર્ટ અને આધારકાર્ડમાં તમિલનાડુનું સરનામું
મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં પોલીસને એક વિદેશી મહિલા ઝાડ સાથે બાંધેલી હાલતમાં મળી આવી છે. ભરવાડે મહિલાને જોઈ અને પોલીસને જાણ કરી. મહિલાની ખરાબ હાલતને કારણે પોલીસે તેને હોસ્પિટલમાં દાખલ કરી હતી. મહિલા પાસેથી અમેરિકન પાસપોર્ટ અને તમિલનાડુ એડ્રેસ સાથેના આધાર કાર્ડની ફોટોકોપી મળી આવી છે.
મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં એક જંગલમાં 50 વર્ષીય મહિલા સાંકળની મદદથી ઝાડ સાથે બાંધેલી મળી આવી હતી. શનિવારે એક ભરવાડે તેની ચીસો સાંભળી અને તેને ઝાડ સાથે બાંધેલી જોવા મળી. તેણે આ અંગે પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસ જંગલમાં પહોંચી અને મહિલાને ઝાડ સાથે બાંધેલી જોવા મળી. તે ખૂબ જ ખરાબ હાલતમાં હતી અને તેને જોઈને એવું લાગી રહ્યું હતું કે તેણે ઘણા દિવસોથી કંઈ ખાધું નથી કે પીધું નથી. મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. મહિલા પાસેથી કેટલાક દસ્તાવેજો પણ મળી આવ્યા છે. જેમાં યુએસ પાસપોર્ટ, આધાર કાર્ડ અને મેડિકલ પ્રિસ્ક્રિપ્શનની ફોટોકોપી સામેલ છે.
ગોવા મેડિકલ કોલેજમાં મહિલા દાખલ
પોલીસે જણાવ્યું કે શનિવારે સાંજે સોનુરાલી ગામમાં એક ભરવાડે મહિલાની ચીસો સાંભળી અને તેને લોખંડની સાંકળોથી બાંધેલી જોઈને પોલીસને જાણ કરી. પોલીસે મહિલાને મુક્ત કરાવી સાવંતવાડી હોસ્પિટલમાં દાખલ કરી હતી. જે બાદ તેને વધુ સારવાર માટે ઓરોસની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મહિલા સુરક્ષીત હોવાનું જણાવાઈ રહ્યું છે. મહિલાની માનસિક અને સ્વાસ્થ્યની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેને સારી સારવાર માટે ગોવા મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવી છે.
આધાર કાર્ડ પર તમિલનાડુનું સરનામું
મહિલાની ઓળખ લલિતા કાયી તરીકે થઈ છે. પોલીસે તેની પાસેથી તમિલનાડુનું સરનામું ધરાવતું આધાર કાર્ડ કબજે કર્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર, મહિલા છેલ્લા 10 વર્ષથી ભારતમાં રહે છે. તેના વિઝાની મુદત પૂરી થઈ ગઈ છે. કેટલાય દિવસોથી અન્ન-પાણી વિના હોવાને કારણે અને વરસાદમાં ભીંજાવાને કારણે તે અશક્ત છે અને પોતાનું નિવેદન આપી શકે તેવી સ્થિતિમાં નથી. પોલીસે જણાવ્યું નથી કે તેને કેટલા સમય સુધી ઝાડ સાથે બાંધવામાં આવી હતી. પોલીસને શંકા છે કે તમિલનાડુથી આવેલા તેનો પતિ તેને ત્યાં બાંધીને ભાગી ગયો હતો. અધિકારીએ કહ્યું કે તપાસના ભાગ રૂપે, પોલીસની ટીમો તેના સંબંધીઓ વગેરેને શોધવા માટે તમિલનાડુ, ગોવા અને અન્ય કેટલાક સ્થળોએ રવાના થઈ ગઈ છે. આ સિવાય પોલીસ મહિલા પાસેથી મળી આવેલા તમામ દસ્તાવેજો તેની રાષ્ટ્રીયતા જાણવા વેરિફિકેશન મેળવી રહી છે. પોલીસ ફોરેનર્સ રિજનલ રજીસ્ટ્રેશન ઓફિસના પણ સંપર્કમાં છે.