મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીમાં બેઠકોની વહેંચણીને લઇને હજી સુધી કંઇ ચિત્ર સ્પષ્ટ થયુ નથી. શિવસેના અને કોંગ્રેસ વચ્ચે સીટની વહેંચણીને લઇને વિવાદ ચાલી રહ્યો છે. અનેક બેઠકો બાદ પણ કોંગ્રેસ અને શિવસેના વચ્ચે વિવાદનો ઉકેલ આવ્યો નથી. મહા વિકાસ અઘિાડીના નેતાઓ વચ્ચે બેઠકો થઇ પણ હજી પેચ ક્યાં ફસાયેલો છે તે વિશે જાણીએ.
96 બેઠકો પર જ ચર્ચા !
બેઠક બાદ મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલેએ કહ્યું કે તેમની પાર્ટી દ્વારા 96 બેઠકો પર ચર્ચા કરવામાં આવી છે. 30-40 બેઠકો પર ચર્ચા થવાની બાકી છે. તેમણે કહ્યું કે આવતીકાલે અમે મુંબઈમાં શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે સહિત અન્ય નેતાઓ સાથે વાત કરીશું. બાકીની બેઠકો પર પણ ટૂંક સમયમાં ચર્ચા કરવામાં આવશે. તો બીજી તરફ બેઠક વહેંચણીને લઇને સંજય રાઉતે અગાઉ કહ્યું હતું કે બેઠક વહેંચણીની ચર્ચા માટે કોંગ્રેસનું મહારાષ્ટ્ર એકમ સક્ષમ નથી. આથી અમે કોઇ નિર્ણય ન લઇ શક્યા તો દિલ્હી જ ડાયરેક્ટ વાત કરીશું.
કોંગ્રેસના પ્રભારી ઉદ્ધવ ઠાકરેને મળ્યા
સ્થિતિ એટલી હદે વણસી કે કોંગ્રેસના પ્રભારી રમેશ ચેનીથલા મળવા ઉદ્ધવ ઠાકરેના ઘરે પહોંચ્યા. આ બેઠક લગભગ એક કલાક સુધી ચાલી હતી, પરંતુ તે પછી દાદરના તિલક ભવનમાં કોંગ્રેસની બેઠક યોજાઈ હતી. જેમાં કોંગ્રેસે કોઈ નિર્ણય ન લેતા બધુ હાઈકમાન્ડ પર છોડી દીધું હતું. બીજી તરફ કોંગ્રેસ CECની બેઠક આજે યોજાઇ રહી છે. જેમાં વિધાનસભાની ચૂંટણીને લઇને ચર્ચા કરાશે.
ક્યારે થશે જાહેરાત ?
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે મહાયુતિ દ્વારા ઉમેદવારોની જાહેરાત શરૂ થઈ ગઈ છે. ભાજપે રવિવારે 99 ઉમેદવારોની પ્રથમ યાદી પણ જાહેર કરી છે, પરંતુ વિપક્ષ મહાવિકાસ અઘાડી ગઠબંધન હજુ પણ બેઠક ફાળવણી પર અટવાયેલું છે. સીટ વહેંચણીનો સોદો ફાઇનલ ન થયો હોવાથી નેતાઓ પ્રચારના મેદાનમાં ઉતરી શકતા નથી.










