- મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકારણ તેજ
- અજીત પવાર કઇ બેઠક પરથી લડશે તેને લઇને ચર્ચા
- હાલ જનસન્માન યાત્રા પુણેથી થઇ પસાર
આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. જેને લઇને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ત્યારે એનસીપી પ્રમુખ અજીત પવારે સંકેત આપ્યો છતે કે તેઓ આગામી વિધાનસભાની ચૂંટણી પોતાનું ગઢ ગણાતા બારામતી વિધાનસભાથી નહી લડે. જેને લઇને રાજકીય અટકળો શરૂ થઇ ગઇ છે.
ડેપ્યુટી સીએમ અજિત પવારની જન સન્માન યાત્રા હાલમાં પુણેમાંથી પસાર થઈ રહી છે. આ મુલાકાત દરમિયાન તેમણે આ વાતનો સંકેત આપ્યો હતો, જે બાદ એવી અટકળો શરૂ થઈ હતી કે જો અજિત પવાર બારામતીથી ચૂંટણી નહીં લડે તો શું તેમનો પુત્ર જય પવાર ત્યાંથી ચૂંટણી લડશે?
અજિત પવાર ક્યાંથી ચૂંટણી લડશે?
જ્યારે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારને તેમના પુત્ર જય પવાર વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હું ઘણા વર્ષોથી બારામતીથી ચૂંટણી લડી રહ્યો છું. જય પવારને બારામતીથી મેદાનમાં ઉતારવા કે નહીં તે નિર્ણય પાર્ટીના કાર્યકરો અને સંસદીય બોર્ડ લેશે. જો અજિત પવાર બારામતીથી ચૂંટણી નહીં લડે તો તેઓ બીજી કઈ બેઠક પરથી ચૂંટણી લડશે તેની અટકળો પણ તેજ થઈ ગઈ છે.
રોહિત પવાર સામે જામશે જંગ ?
એવું કહેવામાં આવી રહ્યું છે કે અજિત પવાર આગામી વિધાનસભા ચૂંટણીમાં એક મોટું પગલું ભરવાની તૈયારી કરી રહ્યા છે. તેઓ તેમના ભત્રીજા રોહિત પવાર સામે ચૂંટણી લડી શકે છે. રોહિત પવાર હાલમાં કરજત-જામખેડ સીટથી ધારાસભ્ય છે. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં રોહિત પવારેકરજત-જામખેડ વિધાનસભા ક્ષેત્રમાં ભાજપના રામ શિંદેને હરાવીને પ્રથમ વખત વિધાનસભામાં ચૂંટાયા હતા. ત્યારે આ વર્ષે જો અજીત પવાર કર્જત-જામખેડથી ચૂંટણી લડે છે તો રોહિત પવારને મોટા પડકારનો સામનો કરવો પડી શકે છે.
રોહિત પવારનો કાકા પર વળતો હુમલો
આ લોકસભા ચૂંટણીમાં અજિત પવારની પત્ની સુનેત્રા પવારે બારામતી બેઠક પરથી ઈન્ડિયા એલાયન્સના ઉમેદવાર સુપ્રિયા સુલે સામે ચૂંટણી લડી હતી. અજિત પવારે તેને ભૂલ ગણાવી હતી. આ અંગે રોહિત પવારે ટોણો માર્યો હતો, જેના કારણે હવે એવી આશંકા છે કે અજિત પવાર કરજત-જામખેડથી ચૂંટણી લડશે.
રોહિત પવારે કહ્યું હતું કે સુપ્રિયાતાઈ સામે સુનેત્રા કાકીને મેદાનમાં ઉતારવાનો નિર્ણય દાદાનો ન હોઈ શકે. તેમણે કહ્યું હતું કે અજિત પવાર ભલે તેને ભૂલ કહે, પરંતુ વાસ્તવમાં તે દિલ્હીમાં બેઠેલા ગુજરાતના નેતાઓનું દબાણ હતું. રોહિત પવારે ટ્વીટ કરીને કહ્યું હતું કે હવે વિધાનસભામાં ચર્ચા થઈ રહી છે કે મારા મતવિસ્તારના મામલામાં તેમના પર આવુ જ દબાણ છે.