સપા ધારાસભ્ય અબૂ આઝમી હાલમાં ઔરંગઝેબના વખાણ કરવાને લઇને ચોમેરથી ઘેરાયા છે. મહારાષ્ટ્રમાં ચાલી રહેલી વિધાનસભામાં આ મુદ્દો ઉગ્ર બન્યો છે. એકનાથ શિંદે તથા બીજેપીએ પણ ઓરંગઝેબના વખાણ કરવા બદલ અબૂ આઝમીની આકરી ટીકા કરી હતી. જે બાદ અબૂ આઝમીએ પોતાનું નિવેદન પર પાછુ ખેંચ્યુ હતું. જો કે વિવાદ શમવાનું નામ નથી લઇ રહ્યો. મહારાષ્ટ્ર વિધાનસભામાંથી ધારાસભ્યને હાલના સત્ર પૂરતા સસ્પેન્ડ કરી દેવાયા છે. 

છત્રપતિ શિવાજીનું અપમાન કરનારાને છોડી ન દેવાય- ચંદ્રકાન્ત પાટીલ 

મહારાષ્ટ્ર સરકારના મંત્રી ચંદ્રકાંત પાટીલે વિધાનસભા સત્રમાં અબુ આઝમીને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ભાજપના નેતા સુધીર મુનગંટીવારે કહ્યું કે આઝમીને વિધાનસભામાંથી દૂર કરવા જોઈએ અને માત્ર એક સત્ર માટે સસ્પેન્ડ ન કરવા જોઈએ. છત્રપતિ શિવાજી પૂજનીય છે અને તેમનું અપમાન કરનારાઓને આપણે સરળતાથી છોડી ન દેવાય.  જોકે ચંદ્રકાંત પાટીલે સ્પષ્ટતા કરી હતી કે સુપ્રીમ કોર્ટના નિર્ણય મુજબ, ધારાસભ્યોને એક કરતાં વધુ સત્ર માટે સસ્પેન્ડ કરી શકાતા નથી. અમે એક સમિતિ બનાવીશું જે મૂલ્યાંકન કરશે કે શું આઝમીને ધારાસભ્ય તરીકે તેમના સભ્યપદમાંથી સસ્પેન્ડ કરી શકાય છે કે નહીં?

વિવાદ વધતાં અબુ આઝમીએ માફી માંગી
ઔરંગઝેબ પરના તેમના નિવેદન બાદ જ્યારે રાજકારણ ગરમાતા અબુ આઝમીએ સ્પષ્ટતા કરી હતી કે તેઓ હું શિવાજી મહારાજ અને સંભાજી મહારાજ વિરુદ્ધ બોલવાનું વિચારી પણ શકતો નથી.
અબુ આઝમીએ કહ્યું કે મારા શબ્દોને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યા છે. ઔરંગઝેબ વિશે,મેં ફક્ત તે જ કહ્યું છે જે ઇતિહાસકારો અને લેખકોએ કહ્યું છે. મેં છત્રપતિ શિવાજી મહારાજ, સંભાજી મહારાજ કે અન્ય કોઈ મહાપુરુષ વિશે કોઈ અપમાનજનક ટિપ્પણી કરી નથી. તેઓએ વધુમાં કહ્યું કે હું એટલો મોટો નથી કે આવા નિવેદન આપી શકુ. આ તો ઇતિહાસકારોનું નિવેદન હતું, 
 જો મારા આ નિવેદનોથી કોઈને દુઃખ થયું હોય, તો હું બિનશરતી માફી માંગુ છું અને મારું નિવેદન પાછું લઉં છું.


એકનાથ શિંદેએ માફીની કરી માંગ

તો આ અંગે એક શિંદેએ પણ અબૂ આઝમીએ માફી માગવાની વાત કહી હતી. તેમની પર દેશદ્રોહનો કેસ ચલાવવાની પણ માગ કરી હતી. તેમણે કહ્યું કે અબૂ આઝમીનું આ નિવેદન અસ્વીકાર્ય અને નિંદનીય છે. ઓરંગઝેબને સારા પ્રશાસક કહેવા એ પાપ છે. આ એજ ઓરંગઝેબ છે જેણે 40 દિવસ સુધી સંભાજી મહારાજને પરેશાન કર્યા હતા. અબૂ આઝમી માફી માંગે. આપણા મુખ્યમંત્રીએ પણ તેને ખૂબ ગંભીરતાથી લીધું છે. મને લાગે છે કે રાષ્ટ્રીય નાયકોનું અપમાન કરવા બદલ આઝમી પર રાજદ્રોહનો આરોપ મૂકવો જોઈએ. રાષ્ટ્રીય નાયકો વિરુદ્ધ બોલનારાઓને રાષ્ટ્ર વિરોધી કહેવડાવવા જોઇએ.

બીજેપીએ પણ કર્યા પ્રહાર

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અને રાજ્યસભા સાંસદ સુધાંશુ ત્રિવેદીએ જણાવ્યું હતું કે સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમી અને કોંગ્રેસ પાર્ટીના નેતા રાશિદ અલ્વી દ્વારા સૌથી ક્રૂર અને અત્યાચારી શાસકોમાંથી એક એવા ઔરંગઝેબના ગુણગામ ગાવવા તે ભારતીય સમાજ માટે ઘણી અપમાનની વાત છે. તેનાથી એ વાત નક્કી છે કે આ લોકો હિંદુ ધર્મને સંપૂર્ણ નાશ કરવા માટે કોઈપણ હદ સુધી જવા તૈયાર છે. આ બતાવે છે કે આ લોકો ભારતીય સંસ્કૃતિ અને ભારતીય પરંપરાને કેટલી નફરત કરે છે.


  • Follow us on: