મહારાષ્ટ્રમાં બેઠક વહેંચણીને લઇને શિવસેના (યુબીટી) અને કોંગ્રેસ વચ્ચે પેચ ફસાયો છે. આ બંને પાર્ટીઓ વચ્ચે સીટ શેરીંગની ડીલ હજી સુધી થઇ શકી નથી. ત્યારે હવે એવી માહિતી સામે આવી છે કે ઉદ્ધવ ઠાકરેની પાર્ટી સીટ શેરિંગની ડીલ કોંગ્રેસ હાઇ કમાન સાથે જ કરશે. આ અંગે સંજય રાઉતે કહ્યું કે બહુ જલ્દી રાહુલ ગાંધી સાથે ઉદ્ધવ ઠાકરે વાત કરશે.


સંજય રાઉતના કહેવા પ્રમાણે મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓ સીટ વહેંચણી અંગે નિર્ણય લેવામાં સક્ષમ નથી. નોમિનેશનની તારીખ નજીક છે. આવી સ્થિતિમાં હવે અમે રાહુલ ગાંધી સાથે સીધી વાત કરીશું. રાઉતે કોંગ્રેસ સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ સાથે પણ આ અંગે ચર્ચા કરી છે. તેમણે મીડિયા સાથે વાત ચીત કરતા જણાવ્યું કે બંને પક્ષો કેટલીક સીટો પર સહમત થવા તૈયાર નથી. અમે આ અંગે રાહુલજી સાથે વાત કરીશું.

ક્યાં ફસાયો છે પેચ ?

કહેવામાં આવી રહ્યું છે કે શિવસેના અને કોંગ્રેસ વચ્ચે મુંબઇ અને વિદર્ભ બેઠકને લઇને પેચ ફસાયો છે. શિવસેના (UBT) વિદર્ભ પ્રદેશમાં વધુ બેઠકોની માંગ કરી રહી છે. જ્યારે કોંગ્રેસની નજર મુંબઈની તે બેઠકો પર છે જ્યાં ગત વખતે તે બીજા સ્થાને હતી.

મુંબઇમાં શિવસેના (UBT)નો પ્રયાસ મોટા ભાઇ બની રહેવાની છે. મુંબઇમાં વિધાનસભાની સીટ 36 છે અને પાર્ટી અહીં ઓછામાં ઓછી 20 બેઠકો પર લડવા માગે છે. આ પ્રકારે શિવસેના નાગપુર અને અમરાવતીમાં પણ પોતાની ભાગીદારી ઇચ્છે છે. જે કોંગ્રેસને મંજૂર નથી.

3 સભ્યોની બની છે સમિતિ

સીટ વહેંચણીના વિવાદને ઉકેલવા માટે શિવસેના (ઉદ્ધવ), એનસીપી (શરદ) અને કોંગ્રેસે 3 સભ્યોની સમિતિ બનાવી હતી. સમિતિમાં કોંગ્રેસના નાના પટોલે, શિવસેના (ઉદ્ધવ)ના સંજય રાઉત અને એનસીપી (શરદ)ના જયંત પાટીલનો સમાવેશ થાય છે. તાજેતરમાં આ કમિટીની બેઠક રાજકીય હેડલાઈન્સમાં રહી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે બેઠકમાં સંજય રાઉત અને નાના પટોલે વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી.


20 નવેમ્બરે 288 બેઠકો પર ચૂંટણી

મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા બેઠકો માટે એક તબક્કામાં મતદાન થવાનું છે. સરકાર બનાવવા માટે કોઈપણ ગઠબંધન અથવા પક્ષોએ ઓછામાં ઓછી 145 બેઠકો જીતવી પડશે. રાજ્યમાં 20મી નવેમ્બરે મતદાન છે અને પરિણામ માત્ર 3 દિવસ પછી 23મી નવેમ્બરે આવશે.

  • Follow us on: