મહારાષ્ટ્રના આગામી સીએમ તરીકે દેવેન્દ્ર ફડણવીસને BJP કોર કમિટી તરફથી લીલી ઝંડી મળી છે. બીજેપીની કોર કમિટીની બેઠક મળી હતી. જેમાં આ નિર્ણય લેવાયો છે. દેવેન્દ્ર ફડણવીસની ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદગી કરવામાં આવી છે. દેવેન્દ્ર ફડણવીસ ત્રીજીવાર સીએમ પદના શપથ લેશે. તેમની સાથે એકનાથ શિંદે અને અજિત પવાર પણ શપથ લેશે.
ધારાસભ્ય દળની મળી બેઠક
મહત્વનું છે કે મહારાષ્ટ્રમાં બીજેપી ધારાસભ્ય દળની બેઠક મળી હતી.. આવતી કાલે મુંબઇના આઝાદ મેદાનમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે. ત્યારે દેવેન્દ્ર ફડણવીસના નામ પર ધારાસભ્ય દળના નેતા બનવા પર સહમતિ બની છે.
ભાજપ તેના સહયોગી પક્ષોના અગ્રણી નેતાઓ સાથે બપોરે 3.30 વાગ્યે રાજ્યપાલ પાસે તેમના સમર્થન પત્રો સાથે જશે. તેમાં મહાયુતિના નેતાઓ પણ હશે. ભાજપ રાજ્યપાલને મળશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. સીએમ ચહેરો પસંદ કરવા માટે, ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને મહારાષ્ટ્ર વિધાનસભા પક્ષની બેઠક માટે નિરીક્ષક બનાવ્યા છે.
શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ તેજ
5 ડિસેમ્બરે યોજાનાર શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે આ કાર્યક્રમની તૈયારીઓ પર નજર રાખી રહ્યા છે. સોમવારે તેઓ દક્ષિણ મુંબઈમાં સમારોહના સ્થળે પણ પહોંચ્યા હતા. તેમણે કહ્યું હતું કે, પીએમ મોદી આ કાર્યક્રમમાં હાજરી આપશે. સૂત્રોનું કહેવું છે કે આ શપથ ગ્રહણ સમારોહ માટે એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ઘણા કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના અન્ય મોટા નેતાઓ પણ હાજરી આપી શકે છે.









