મહારાષ્ટ્રના લાતુર શહેરમાં એક સરકારી કોલેજની લગભગ 50 વિદ્યાર્થિનીઓ હોસ્ટેલનું ભોજન ખાધા બાદ બીમાર પડી ગઈ હતી. મોડી રાત્રે તમામ વિદ્યાર્થિનીઓને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. હાલ તેમની સારવાર ચાલી રહી છે. ડો.મોહિતે જણાવ્યું કે મોડીરાતે 50 જેટલી વિદ્યાર્થિનીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જો કે રવિવારે સવારે 3 વાગ્યા સુધીમાં 20 વિદ્યાર્થીનીઓની તબિયતમાં સુધારો થતાં તેમને રજા આપવામાં આવી હતી.
હોસ્ટેલમાં છે 324 વિદ્યાર્થીનીઓ
મહત્વનું છે કે પુરનમલ લાહોટી સરકારી પોલિટેકનિક હેઠળની આ હોસ્ટેલમાં 324 વિદ્યાર્થીનીઓ છે. અધિકારીઓએ જણાવ્યું કે શનિવારે સાંજે લગભગ 7 વાગે વિદ્યાર્થીનીઓએ ભાત, રોટલી, ભીંડાનું શાક અને દાળ અને સૂપ પીધો હતો. જે પછી થોડા સમયમાં જ લગભગ 8.30 વાગ્યાની આસપાસ ઘણાને ઉબકા આવવા લાગ્યા હતા. કેટલીક વિદ્યાર્થિનીઓને ઉલ્ટી થવા લાગી હતી. માહિતી મળતાં જ કોલેજના પ્રિન્સિપાલ ઘટનાસ્થળે પહોંચ્યા અને લાતુરની વિલાસરાવ દેશમુખ સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ડીન ડૉ. ઉદય મોહિતેને જાણ કરી હતી.
50 વિદ્યાર્થીનીને કરાઇ દાખલ
બીમાર વિદ્યાર્થીનીઓને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. ડૉ. મોહિતેએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે મધરાત સુધી લગભગ 50 વિદ્યાર્થીનીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે રવિવારે સવારે 3 વાગ્યા સુધીમાં 20 વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી હતી. અન્ય 30 વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમણે જણાવ્યું કે તેમાંથી કોઈની હાલત ગંભીર નથી.
ડો.મોહિતેએ જણાવ્યું હતું કે બે છોકરીઓને રાત્રિભોજન પછી ઉલટી થઈ હતી અને બીજીએ ઉબકા આવવાની ફરિયાદ કરી હતી, જે બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તાત્કાલિક સારવાર કરવામાં આવી રહી છે. સમગ્ર તબીબી ટીમ હાજર છે અને કાળજી લઈ રહી છે. તેમણે કહ્યું કે વિદ્યાર્થિનીઓનાં માતા-પિતાને ખાતરી આપવામાં આવી છે કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
કોલેજના પ્રિન્સિપાલે શું કહ્યું?
કૉલેજના પ્રિન્સિપાલ વીડી નિથનવરેએ જણાવ્યું હતું કે, "હોસ્ટેલની કેટલીક વિદ્યાર્થીનીઓની તબિયત ખરાબ હોવાની માહિતી મળતાં, અમે તરત જ ત્યાં પહોંચ્યા. તમામ અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર માટે મોકલવામાં આવી હતી. વધુમાં કહ્યું કે ચિંતા કરવાની જરૂર નથી.
ફૂડના સેમ્પલ લેવાયા
પ્રિન્સિપાલે જણાવ્યું કે શિવાજીનગર પોલીસને ઘટના અંગે જાણ કરવામાં આવી છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ફૂડ સેમ્પલ લેવામાં આવ્યા છે જે બાદ સેમ્પલ રિપોર્ટ આવ્યા બાદ જ ફૂડ પોઈઝનિંગનું કારણ જાણી શકાશે. ઘટનાની જાણકારી મળ્યા બાદ લાતુર લોકસભાના સભ્ય શિવાજી કલગે હોસ્પિટલ ગયા અને વિદ્યાર્થિનીઓના ખબર અંતર પૂછ્યા હતા. કોંગ્રેસ સાંસદે લાતુરના કલેક્ટર વર્ષા ઠાકુર ઘુગેનો પણ સંપર્ક કર્યો અને તેમને આ ઘટના માટે જવાબદારો સામે પગલાં લેવા વિનંતી કરી.