• ટુ-વ્હીલર્સને ટક્કર માર્યા બાદ કાર સ્થાનિક શાકમાર્કેટમાં ઘૂસી ગઇ

  • ઉશ્કેરાયેલાં ટોળાએ સગીરને પોલીસને સોંપતા પહેલાં સખત માર માર્યો
  • દુર્ઘટનામાં લારીઓવાળા અને શાકભાજી ખરીદવા આવેલા એક દંપતી સહિત પાંચ લોકો ઘવાયા

મહારાષ્ટ્રમાં હિટ એન્ડ રનનો સિલસિલો જારી છે. પૂણેનો પોર્શે કાંડ લોકો હજુ ભૂલ્યા પણ નથી ત્યાં નાગપુરમાં સગીર દ્વારા હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે.નાગપુરના વેંકટેશનગર ચોકમાં કે. ડી. કે. કોલેજ નજીક પૂરપાટ ઝડપે કાર ચલાવી રહેલા એક સગીરે પહેલાં કેટલાક ટુ-વ્હીલર્સને ટક્કર માર્યા બાદ કાર ફળો-શાકભાજીની લારીઓવાળા અને રાહદારીઓની ભીડમાં ઘૂસી ગઇ હતી.

છેવટે એક ઝાડ સાથે અથડાયા બાદ કાર થંભી હતી. દુર્ઘટનામાં લારીઓવાળા અને શાકભાજી ખરીદવા આવેલા એક દંપતી સહિત પાંચ લોકો ઘવાયા હતા, જેમાંથી બે લોકોની હાલત ગંભીર છે. ઘણા વાહનોને પણ નુકસાન પહોંચ્યું હતું. બેકાબૂ ટોળાએ કારચાલક સગીરને બહાર ખેંચીને સખત માર માર્યો હતો. બાદમાં કેટલાક લોકોએ તેને ટોળાથી બચાવી પોલીસને સોંપ્યો હતો. પોલીસે સગીરની તથા કારમાલિક મંગેશ ગોમાશેની અટકાયત કરી છે. મંગેશ એક રાજકીય પક્ષ સાથે સંકળાયેલો છે.

તેણે ગેરેજમાં કામ કરતા સગીરને કાર આપી હતી. ગેરેજના માલિકે સગીરને રસ્તા પર પાર્ક કરાયેલી કાર દૂર મૂકી આવવા કહ્યું હતું. પોલીસે સગીરને કાર ચલાવવાની ફરજ પાડવા બદલ ગેરેજના માલિક મહેશ ગોનાડેની પણ અટકાયત કરી છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાનુસાર શાકભાજી ખરીદી રહેલું વૃદ્ધ દંપતી કારની ટક્કરથી કેટલાક મીટર દૂર જઇને પડયું હતું અને તેમને ગંભીર ઇજા પહોંચી હતી. કાર બાજુની ગલીમાં ગેરેજની દિશામાંથી વાયુવેગે આવી અને ફુટપાથ પર ટોળામાં ઘૂસી ગઇ. આ બધું એટલા ઓછા સમયમાં બની ગયું કે કોઇને ભાગવાનો પણ સમય ન મળ્યો.

  • Follow us on: