મહારાષ્ટ્રના જલગાંવમાં બે જૂથો વચ્ચે પથ્થરમારો અને આગચંપીનો મામલો સામે આવ્યો છે. અહીં શિવસેના મંત્રી ગુલાબરાવ પાટીલના પરિવારને લઈ જઈ રહેલા વાહન દ્વારા હોર્ન વગાડવાને લઈને બે જૂથો વચ્ચે તણાવ વધી ગયો હતો. પ્રારંભિક માહિતી અનુસાર, મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના પાલધી ગામમાં મંગળવારે રાત્રે પથ્થરમારો અને આગચંપીની ઘટના બની હતી. મંત્રી ગુલાબરાવ પાટીલના પરિવારને લઈ જઈ રહેલા વાહનના ડ્રાઈવરે હોર્ન વગાડતા લોકોમાં રોષ ભભૂકી ઉઠતા બંને જૂથો વચ્ચે વિવાદ સર્જાયો હતો.


આવતીકાલે સાંજ સુધી કર્ફ્યુ 

હોર્ન વગાડતાં ગ્રામજનો અને પક્ષના કાર્યકરો વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન હંગામો વધી ગયો અને ગુસ્સે ભરાયેલા ટોળાએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. થોડી વારમાં જ  પરિસ્થિતિ કાબૂની બહાર જતી રહી અને દુકાનો તથા વાહનોને આગ ચાંપવામાં આવી હતી. ફાયરિંગ પણ થયુ હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. લગભગ 25 લોકો સામે કેસ નોંધ્યો છે અને લગભગ 10 લોકોની અટકાયત કરી છે. હાલ જલગાંવમાં આવતીકાલે સાંજે 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. હાલ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. .


હાલ શું છે સ્થિતિ ? 

જલગાંવના કલેક્ટર આયુષ પ્રસાદે જણાવ્યું હતું કે સાવચેતીના પગલા તરીકે કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. હાલ સ્થિતિ શાંતિપૂર્ણ અને નિયંત્રણમાં છે. મંગળવારે રાત્રે 9.30 વાગ્યાની આસપાસ અથડામણ શરૂ થઈ હતી, ત્યારબાદ ટોળાએ અનેક દુકાનો અને વાહનોને આગ ચાંપી દીધી હતી.

વધુમાં જણાવ્યું હતું કે બંને જૂથો વચ્ચે અથડામણ એક પ્રકારની રોડ રેજની ઘટના બાદ શરૂ થઈ હતી. હિંસક ટોળાએ દુકાનોને આગ ચાંપવાનો અને વાહનોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. અથડામણમાં કેટલાક લોકોને સામાન્ય ઈજાઓ થઈ હતી. બુધવારે સવારે 3 વાગ્યાથી 24 કલાકનો કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. હાલમાં પરિસ્થિતિ શાંતિપૂર્ણ છે અને આજે સવારે કોઈ અનિચ્છનીય બનાવ નોંધાયો નથી. વહીવટીતંત્ર બે જૂથો વચ્ચેના વિવાદને ઉકેલવા માટે શાંતિ સમિતિની બેઠક યોજશે.

વિવાદ થયો કેમ ?

 મહાયુતિ સરકારમાં મંત્રી અને શિવસેનાના નેતા ગુલાબરાવ પાટીલના પાલધી ગામમાં બની હતી. મળતી માહિતી મુજબ શિવસેના શિંદે જૂથના મંત્રી ગુલાબરાવ પાટીલની કાર તેમની પત્ની અને પરિવારના સભ્યોને લઈને જઈ રહી હતી. ગામના એક યુવકને કારે ટક્કર મારી અને થોડી જ વારમાં લોકોનું ટોળું ભેગું થઈ ગયું. લોકો ગુસ્સે થઈ ગયા અને કાર ચાલકને અપશબ્દો કહેવા લાગ્યા હતા. મંત્રી ગુલાબરાવ પાટીલની પત્ની કારમાં હોવાથી કેટલાક શિવસૈનિકોએ તેમની સાથે દુર્વ્યવહાર કરતા લોકો સાથે ઝઘડો કર્યો હતો. આ પછી બંને જૂથો એકબીજાની સામસામે આવી ગયા અને પથ્થરમારો અને આગચંપવાના બનાવો બન્યા.


  • Follow us on: