- મહારાષ્ટ્રમાં રાજકીય ગતિવિધિઓ તેજ
- શરદ પવાર અને અજિત પવાર જૂથ વચ્ચે શાબ્દિક પ્રહાર
- જિતેન્દ્ર આવ્હાડે અજિત પવારે કર્યા પ્રહાર
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. તેવામાં એનસીપીના નેતા જિતેન્દ્ર આવ્હાડે અજિત પવાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે અજિત પવારને ગદ્દાર જણાવીને તેમની પર સવાલો ઉઠાવ્યા છે.
NCP (શરદ પવાર કેમ્પ)ના ચીફ વ્હીપ જિતેન્દ્ર આવ્હાડે અજિત પવારને દેશદ્રોહી ગણાવ્યા અને કહ્યું કે તેઓ કાકા (શરદ પવાર)ના મૃત્યુની રાહ જોઈ રહ્યા છે. શું આપણે કોઈ વૃદ્ધ વ્યક્તિના મૃત્યુની રાહ જોઈએ છીએ? તેમને ચાલવાનું શીખવનાર બાળકે તેના કાકાને બહારનો રસ્તો બતાવ્યો. તેમણે કહ્યું કે જનતા ચોક્કસપણે આવા ગદ્દારોને પાઠ ભણાવશે અને તેનો હિસાબ લેશે.
અગાઉ પણ અજિત પવારને લીધા આડેહાથ
મહત્વનું છે કે પહેલા પણ જિતેન્દ્રએ અજિત પવાર પર અનેકવાર પ્રહારો કર્યા હતા. થોડા દિવસો પહેલા તેમણે કહ્યું હતું કે અજિત પવાર પાર્ટીની કમાન સંભાળવા માગે છે. ભાજપ સાથે ગઠબંધન કરવા માગે છે અને તેનું વિલિનીકરણ કરવા માગે છે. તેથી જ તેમણે શરદ પવાર સાથે છેતરપિંડી કરી. આવ્હાડે કહ્યું હતું કે પવાર પરિવારમાં જન્મ લેવા બદલ અજિત પવારે આભાર માનવો જોઈએ. પોતાના કાકા સામે બળવો કરવા છતાં મહત્વપૂર્ણ હોદ્દા આપવામાં આવ્યા.
અજિત પવારે બળવો કર્યો હતો
2023માં અજિત પવારે તેમના સમર્થક ધારાસભ્યો સાથે શરદ પવાર સામે બળવો કર્યો અને ભાજપ સાથે હાથ મિલાવ્યો હતો. અને એકનાથ શિંદે સરકારમાં પણ ડે.સીએમ બની ગયા. જ્યારે NCP પર અધિકારોની વાત આવી ત્યારે ચૂંટણી પંચે અજિત પવારના કાગળ પર જ ઓરિજિનલની મહોર લગાવી દીધી. ચૂંટણી ચિન્હ પણ અજિત પવારનું જ થઇ ગયું.. પરંતુ લોકસભા ચૂંટણી બાદ ચિત્ર બદલાઈ ગયું. મહાયુતિના નબળા પ્રદર્શન બાદ અજિત પવારનો દબદબો ઓછો થઇ ગયો. પરિણામે શરદ પવાર જૂથમાં ખુશીની લહેર જોવા મળી. જો કે ખરી કસોટી વિધાનસભાની માનવામાં આવે છે.









