મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં બે પક્ષો વચ્ચે તણાવ સર્જાયો છે. તણાવ એટલો વધી ગયો છે કે બન્ને તરફથી ભારે પથ્થરમારો થઈ રહ્યો છે. પથ્થરમારાના કારણે કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. હાલમાં પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા છે, પરંતુ લોકો હજુ પણ રસ્તાઓ પર એકઠા થયા છે. પોલીસ ભીડને વિખેરવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસ અને પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર હાજર છે.
પોલીસને ભીડને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા
ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ પણ હાજર છે. મળતી માહિતી અનુસાર ટીયર ગેસના સેલ છોડતા પહેલા પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ દ્વારા બન્ને પક્ષોને શાંત પાડવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ બન્ને પક્ષોએ પોલીસ-પ્રશાસનની વાત ન માની, ત્યારબાદ પોલીસને ભીડને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા.
વિસ્તારમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ
પથ્થરમારાની આ ઘટના નંદુરબારના માલીવાડી વિસ્તારમાં બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર પહેલા બન્ને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ અને બાદમાં તે પથ્થરબાજીમાં ફેરવાઈ ગઈ. પથ્થરમારો બાદ કારમાં તોડફોડ અને આગ ચાંપવામાં આવી હતી. આ ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આ દરમિયાન પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા. આ પછી ભીડ થોડી ઓછી થઈ હતી.
મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
હાલ માલીવાડી વિસ્તારની સ્થિતિ પોલીસના નિયંત્રણમાં છે. તેમજ આવી સ્થિતિ ફરી ન બને તે માટે પોલીસ શક્ય તમામ તકેદારી રાખી રહી છે. આ પથ્થરમારામાં કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે.
પોલીસે તપાસ હાથ ધરી
નંદુરબારના માલીવાડી વિસ્તારમાં આવી મોટી ઘટના કેવી રીતે બની તે તપાસનો વિષય છે. પથ્થર ફેંકનારા કોણ હતા, વાહનોમાં આગ લગાવનાર કોણ હતા તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે સંપૂર્ણ સાવચેતી રાખવામાં આવી રહી છે. આ અંગે પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા હજુ સુધી કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.