મહારાષ્ટ્રમાં મળેલી હાર બાદ રાજ ઠાકરેનું ટેન્શન વધી ગયુ છે. રાજકીય વર્તુળોમાં એવી જોરદાર ચર્ચા થઇ રહી છે કે ચૂંટણી પંચ રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની માન્યતા રદ કરી શકે છે. નિષ્ણાંતોના મતે વિધાનસભા ચૂંટણીમાં ઓછામાં ઓછી એક વિધાનસભા બેઠક અથવા 8 ટકા વોટ શેર ન મળે તો માન્યતા જઇ શકે છે.
MNSનું ખાતુ જ ન ખૂલ્યુ
આ ટેન્શન વચ્ચે રાજ ઠાકરેએ આજે પોતાના ઘરે પાર્ટી નેતાઓની બેઠક બોલાવી છે. બેઠકમાં ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન અને આગળની રણનીતિ પર ચર્ચા થઈ શકે છે. મહારાષ્ટ્ર ચૂંટણીમાં MNSની ડિપોઝીટ જપ્ત કરવામાં આવી હતી. રાજ ઠાકરેની પાર્ટી એક પણ સીટ જીતી શકી નથી. રાજ ઠાકરે તેમના પુત્ર અમિત ઠાકરે સહિત, 125 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા, પરંતુ MNSનું ખાતું એક પણ બેઠક પર ખુલ્યું ન હતું.
MNSને કેટલા ટકા વોટ મળ્યા?
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્ર ચૂંટણીમાં MNSને માત્ર 1.55 ટકા વોટ મળ્યા છે. રાજ ઠાકરેનો પુત્ર પણ ચૂંટણી જીતી શક્યો નથી. માહિમ વિધાનસભા બેઠક પર અમિત ઠાકરેને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ઉદ્ધવ જૂથના નેતા મહેશ સાવતે અમિત ઠાકરેને હરાવ્યા. માહિમમાં અમિત ઠાકરે ત્રીજા સ્થાને છે. અમિતને 33062 મત મળ્યા હતા. અજીત જૂથના નેતા સદા સરવણકર (48897 મત) બીજા ક્રમે રહ્યા.
મહારાષ્ટ્રમાં કોને કેટલી બેઠકો મળી?
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિને જંગી જીત મળી છે. ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે. તેણે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. મહારાષ્ટ્રમાં ભાજપને 132 બેઠકો, શિંદેની શિવસેનાને 57 અને અજીતની એનસીપીને 41 બેઠકો મળી હતી. એનડીએને કુલ 230 બેઠકો મળી છે. જ્યારે મહાવિકાસ અઘાડીમાં ઉદ્ધવની શિવસેના (યુબીટી)ને 20, કોંગ્રેસને 16 અને શરદ પવારની એનસીપીને 10 બેઠકો મળી હતી. મહા વિકાસ આઘાડીને કુલ 46 બેઠકો મળી હતી. બાકીની 12 બેઠકો અન્ય પક્ષો અથવા અપક્ષોએ જીતી હતી.