સોમવારે સવારે મુંબઈના ઉચ્ચ સુરક્ષા ઝોન કોલાબામાં એક મોટી સુરક્ષા ખામી જોવા મળી, જ્યારે તાજ હોટેલ નજીક એક 22 વર્ષીય યુવક પરવાનગી વિના ડ્રોન ઉડાડતો પકડાયો. આરોપીની ઓળખ આંધ્રપ્રદેશના હૈદરાબાદના રહેવાસી અરમાલ્લા જેસી આઈઝેક અબ્રાહમ લિંકન તરીકે થઈ છે.


ક્વિક રિસ્પોન્સ ટીમે કરી કાર્યવાહી

પોલીસના જણાવ્યા મુજબ ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT)ના સભ્યો સવારે લગભગ 4 વાગ્યે પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે તેમને તાજ હોટેલની ઉપર આકાશમાં એક શંકાસ્પદ ઉડતી વસ્તુ દેખાઈ.

તપાસ કરતાં જાણવા મળ્યું કે તે ડ્રોન છે, તેને ટ્રેક કરીને, ગેટવે ઓફ ઈન્ડિયા પાસે જેટી નંબર 05 પાસે પાર્ક કરેલી કારમાંથી સિગ્નલ મળ્યું. આ વાહન નંબર એચપી 38 એચ 4710 નંબર હતો, જેમાં આરોપી બેઠો જોવા મળ્યો હતો.

પોલીસે ઘટનાસ્થળેથી 70,000 રૂપિયાનું રિમોર્ટ કર્યું જપ્ત

પૂછપરછ દરમિયાન, યુવકે કબૂલ્યું કે ડ્રોન તેનું હતું અને તેને કોઈપણ અધિકૃત પરવાનગી વિના તેને ઉડાડ્યું હતું. પોલીસે ઘટનાસ્થળેથી લગભગ 70,000 રૂપિયાની કિંમતનો DJI Air 3S ગ્રે કલરનો ડ્રોન અને તેનું રિમોટ કંટ્રોલર જપ્ત કર્યું.

મુંબઈ પોલીસ કમિશનરેટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023 ની કલમ 163 હેઠળ 5 મે થી 3 જૂન, 2025 સુધી ડ્રોન, પેરાગ્લાઈડર્સ, માઈક્રોલાઈટ એરક્રાફ્ટ અને હેન્ડ ગ્લાઈડર્સ ઉડાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો છે. આરોપી આ આદેશનું ઉલ્લંઘન કરતો હોવાનું જાણવા મળ્યું છે.

આ કેસમાં ચાલી રહી છે વધુ તપાસ

આરોપીની ધરપકડ કરવામાં આવી ન હતી. પોલીસે તેને નોટિસ આપીને છોડી દીધો અને આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આવા ઉચ્ચ સુરક્ષાવાળા વિસ્તારોમાં પરવાનગી વિના ડ્રોન ઉડાવવાથી ગંભીર સુરક્ષા જોખમ ઊભું થઈ શકે છે, અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

મુંબઈ પોલીસે સામાન્ય લોકોને અપીલ કરી છે કે તેઓ ડ્રોનનો ઉપયોગ કરતા પહેલા અથવા કોઈપણ પ્રકારની હવાઈ પ્રવૃત્તિમાં જોડાતા પહેલા યોગ્ય પરવાનગી લે, ખાસ કરીને એવા વિસ્તારોમાં જ્યાં સંવેદનશીલ અને ઉચ્ચ સુરક્ષા જાહેર કરવામાં આવી છે.


  • Follow us on: