• કંપનીનાં પ્રમોટર્સ પર મની લોન્ડરિંગનો આરોપ

  • કંપનીનાં પ્રમોટર્સે હિસાબોમાં ગોલમાલ કરીને વેચાણ અને નફો વધારે બતાવ્યા
  • સરકારને પણ 10,000 કરોડથી 15,000 કરોડનું નુકસાન

એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ED) દ્વારા દેશભરમાં એમટેક ગ્રૂપનાં 35 સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. કંપનીનાં પ્રમોટર્સ દ્વારા બેન્કો સાથે ફ્રોડ આચરીને રૂ. 20,000 કરોડની ઉચાપત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.

ઈડીએ આ પછી કંપનીનાં માલિકો સામે મની લોન્ડરિંગનો કેસ કરીને તપાસ હાથ ધરી છે. ઈડીનાં અધિકારીઓ દ્વારા દિલ્હી, નોઇડા, ગુરુગ્રામ, મુંબઈ, નાગપુર સહિત કંપનીનાં 35 સ્થળે દરોડાની કામગીરી કરવામાં આવી હતી. ગ્રૂપનાં પ્રમોટર્સ અરવિંદ ધામ, ગોવિંદ મલ્હોત્રા અને અન્ય લોકો સામે મની લોન્ડરિંગની તપાસ કરવામાં આવી રહી છે. પ્રમોટર્સોએ બેન્કો પાસેથી રૂ. 20,000 કરોડની લોન લઈને તેની ઉચાપત કરી હતી અને અંગત વપરાશ માટે તેનો ઉપયોગ કર્યો હતો.

સીબીઆઈની FIRને આધારે તપાસ કરાઈ

સીબીઆઈ દ્વારા એમટેક ગ્રૂપની કંપની ACIL લિમિટેડ સામે કરવામાં આવેલી FIRને પગલે તપાસ કરવામાં આવી હતી જેમાં અનેક લિસ્ટેડ કંપનીઓનાં નામે બેન્કો પાસેથી રૂ. 20,000 કરોડની લોન લેવામાં આવી હતી. આ તમામ કંપનીઓની ઓછી કિંમત દર્શાવીને NCLTમાં કામગીરી કરવામાં આવી હતી સુપ્રીમ કોર્ટ દ્વારા પણ તપાસનાં આદેશ આપવામાં આવ્યા હતા. આને કારણે સરકારને પણ રૂ. 10,000 કરોડથી રૂ. 15,000 કરોડનું નુકસાન થયું હતું.

હિસાબોમાં ગોલમાલ, બોગસ એન્ટ્રીઓ

કંપનીએ હિસાબોમાં ગોલમાલ કરીને બોગસ એન્ટ્રીઓ પાડી હતી. વેચાણ અને મૂડી સંપત્તિનાં તેમજ લેણદારોનાં અને નફાનાં આંકડા ખોટા દર્શાવાયા હતા. લિસ્ટેડ કંપનીઓનાં શેરનાં ભાવ સાથે ચેડાં કરવામાં આવ્યા હતા. ઓડિટર્સ તેમજ હિસાબ રાખનારાઓની મિલીભગતથી હિસાબી ચોપડાઓમાં ખોટી એન્ટ્રીઓ પાડીને ગોલમાલ કરાઈ હતી. કરોડો રૂપિયા બોગસ કંપનીઓમાં રોકવામાં આવ્યા હતા.

  • Follow us on: