કોંગ્રેસ નેતા મણિશંકર ઐયર હંમેશા તેઓના નિવેદનને કારણે ચર્ચામાં રહે છે. ત્યારે વધુ એકવાર તેમના નિવેદનથી કોંગ્રેસ પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે. આ વખતે મણિશંકર ઐયરે પૂર્વ પીએમ રાજીવ ગાંધીને લઇને વિવાદિત નિવેદન આપ્યુ છે. આ અંગે બીજેપી આઇટી સેલના પ્રમુખે તેમના નિવેદનની એક ક્લિપ શેર કરી છે. આવો જાણીએ એવુ તો શું બોલ્યા મણિશંકર ઐયર.
મણિશંકર ઐયર ફરી વિવાદોમાં
સોશિયલ મીડિયા પર એક ક્લિપ શેર કરી છે. જેમાં મણિશંકર એવુ કહેતા જોવા મળે છે કે રાજીવ ગાંધી કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં બે વાર નાપાસ થયા. તેમણે કહ્યું કે એવી જગ્યા કે જ્યાં ફર્સ્ટ ક્લાસ પાસ થયુ સરળ છે પરંતુ નાપાસ થવુ તો મુશ્કેલ છે. કારણ કે યુનિવર્સિટીએ પોતાની ઇમેજ સારી રહે તે જાળવવાની જવાબદારી હોય છે. એવામાં પ્રયાસ એવા કરવામાં આવે છે કે પરીક્ષામાં તમામ લોકો પાસ થઇ જાય. આવી યુનિવર્સિટીમાં રાજીવ ગાંધી ફેલ થઇ ગયા. મણિશંકર ઐયર અને રાજીવ ગાંધી બંને એક જ વર્ગમાં ભણતા હતા.
નિષ્ફળ ગયેલા વ્યક્તિને પીએમ કેવી રીતે બનાવાયા ?
નાપાસ થયા પછી રાજીવ ગાંધી ઈમ્પીરીયલ કોલેજ લંડન ગયા અને આશ્ચર્યજનક વાત એ છે કે તેઓ ત્યાં ફરીથી નાપાસ થયા. આ પછી મણિશંકર ઐયરે કહ્યું કે મેં વિચાર્યું કે જે વ્યક્તિ બે વખતે નાપાસ થયા છે તેવા વ્યક્તિને કેવી રીતે દેશના વડાપ્રધાન બનાવવામાં આવ્યા. મણિશંકરના આ નિવેદન પછી, કોંગ્રેસ પાર્ટીના અન્ય નેતાઓ તેમને ભાજપના સ્લીપર સેલ કહી રહ્યા છે. મણિશંકરના આ નિવેદન પછી, ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસને ઘેરી રહી છે.
અમિત માલવિયાએ ક્લિપ શેર કરી
ભાજપ આઈટી સેલના વડા અમિત માલવિયાએ સોશિયલ મીડિયા પર મણિશંકર ઐયરની વાતચીતની ક્લિપ શેર કરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જે વ્યક્તિ શૈક્ષણિક રેકોર્ડમાં નાપાસ થયો છે તે દેશના વડા પ્રધાન કેવી રીતે બની શકે? આ મુદ્દા પરથી પડદો ઉઠાવવાની જરૂર છે.
રાજીવ ગાંધીના પક્ષમાં આવ્યુ કોંગ્રેસ
કોંગ્રેસના સાંસદ તારિક અનવર રાજીવ ગાંધીના બચાવમાં આવ્યા. તેમણે કહ્યું કે નિષ્ફળતા એ મોટી વાત નથી. સારા લોકો પણ ઘણી વાર નિષ્ફળ જાય છે. તેમણે કહ્યું કે જ્યારે રાજીવ ગાંધીને રાજકારણની જવાબદારી મળી ત્યારે તેઓ તેમાં નિષ્ફળ ગયા નહીં, બલ્કે તેમણે તે જવાબદારી ખૂબ જ સારી રીતે નિભાવી. તેમણે કહ્યું કે મારી સમજ મુજબ, દેશમાં બહુ ઓછા એવા વડાપ્રધાન રહ્યા છે જેમણે તેમના 5 વર્ષના કાર્યકાળમાં આટલું બધું કામ કર્યું હોય.









