- મણિપુર અને આસામમાં પુરની સ્થિતિ
- રેમલ ચક્રવાતની અસરને પગલે ભારે વરસાદ
- લાખો લોકોનું કરાયુ સ્થળાંતર
એક તરફ ઉત્તર ભારતમાં પ્રચંડ ગરમી તો બીજી તરફ ઉત્તર પૂર્વીયમાં પૂરની સ્થિતિ ઉભી થઇ છે. ચક્રવાત રેમલ, વરસાદ અને નદીઓ ઓવરફ્લો થતા મણિપુર અને અસમમાં સ્થિતિ ગંભીર બની છે. ચક્રવાત રેમલને કારણ સતત વરસાદ થતા પુર આવ્યુ છે. જેને કારણે દોઢ લાખથી વધારે લોકો પ્રભાવિત થયા છે.
લાખો લોકો કરાયા સ્થળાંતરિત
મણિપુરના એક મંત્રીએ ગુરુવારે જણાવ્યું હતું કે ચક્રવાત રેમલ પછી અવિરત વરસાદને કારણે આવેલા પૂરથી કુલ 1,88,143 લોકો પ્રભાવિત થયા છે. તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં પૂરના કારણે ઓછામાં ઓછા 24,265 ઘરોને પણ નુકસાન થયું છે. જળ સંસાધન અને રાહત અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી અવાંગબો ન્યુમાઈએ જણાવ્યું હતું કે કુલ 18,103 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે અને 56 રાહત શિબિર શરૂ કરવામાં આવી છે. ભારે વરસાદને કારણે નદી ડેમ ઓવરફ્લો થતા સ્થિતિને ધ્યાને રાખીને તમામ સરકારી કચેરીઓ માટે 31 મે સુધી બે દિવસની જાહેર રજા જાહેર કરી છે. નાગરિકોને ઈમરજન્સી સિવાય ઘરની અંદર રહેવા વિનંતી કરવામાં આવી છે.
વરસાદને કારણે 6ના મોત
આસામમાં પૂરથી 9 જિલ્લાના 1.98 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. મળતી માહિતી અનુસાર ચક્રવાત રેમલ બાદ સતત વરસાદને કારણે મોટી નદીઓના જળસ્તરમાં વધારો થવાને કારણે એક વ્યક્તિનું ડૂબી જવાથી મોત થયું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર હૈલાકાંડી જિલ્લામાં એક વ્યક્તિનું ડૂબી જવાથી મોત થયું છે. આ સાથે રાજ્યમાં મંગળવારથી ચાલી રહેલા પૂર અને વરસાદને કારણે મૃત્યુઆંક 6 પર પહોંચી ગયો છે, જ્યારે 18 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.
આ જિલ્લાઓ સૌથી વધુ પ્રભાવિત
કછાર એ પૂરથી સૌથી વધુ પ્રભાવિત જિલ્લાઓમાંનો એક છે, જ્યાં 1,02,246 લોકો પૂરના પાણીમાં ફસાયેલા છે. ત્યારબાદ કરીમગંજમાં 36,959, હોજઈમાં 22,058 અને હૈલાકાંડીમાં 14,308 લોકો ફસાયેલા છે. અહેવાલ મુજબ, કુલ 3,238.8 હેક્ટર પાક વિસ્તાર પણ પાણી પાણી થઇ ગયો છે. જ્યારે 2 લાખ કરતા પણ વધારે જાનવર પણ પ્રભાવિત થયા છે.









