મણિપુર છેલ્લા એક વર્ષથી હિંસાની આગમાં સળગી રહ્યું છે. આ દરમિયાન રાજ્યમાં બે યુવાનોના અપહરણના વિરોધમાં મૈતેઈ જૂથની સંયુક્ત કાર્ય સમિતિ (JAC)એ બંધનું આહ્વાન કર્યું હતું, જેના કારણે બુધવારે ઇમ્ફાલ ખીણના પાંચ જિલ્લાઓમાં સામાન્ય જીવન નોંધપાત્ર રીતે પ્રભાવિત થયું હતું. ઇમ્ફાલ પૂર્વ, ઇમ્ફાલ પશ્ચિમ, બિષ્ણુપુર, કકચિંગ અને થોબલ જિલ્લામાં પ્રદર્શનકર્તાઓએ રસ્તાઓ બંધ કરી દીધા હતા. જેના કારણે દુકાનો અને અન્ય સંસ્થાઓ બંધ રહી હતી.
પ્રદર્શનકર્તાઓએ રસ્તા પર ટાયરો સળગાવ્યા
પોલીસના જણાવ્યા અનુસાર આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહિલાઓએ પણ ભાગ લીધો હતો. જેમણે થૌબલના મેળા મેદાન, વાંગજિંગ, યૈરીપોક અને ખાંગબોકમાં NH 102ને બ્લોક કરી દીધો હતો. આ દરમિયાન મહિલાઓએ રસ્તા પર દેખાવો કરીને સૂત્રોચ્ચાર કર્યા હતા. જ્યારે યુવાનોએ રસ્તા પર ટાયરો સળગાવી વાહનોની અવરજવર અટકાવી હતી. JACના સંયોજકનું કહેવું છે કે, જ્યાં સુધી અપહરણ કરવામાં આવેલ બન્ને યુવકોને છોડવામાં નહીં આવે ત્યાં સુધી આ વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે.
પરીક્ષા આપવા જઈ રહ્યા હતા યુવાનો
થૌબલ જિલ્લાના ગયા અઠવાડિયે ત્રણ યુવકોનું કાંગપોકપીમાં અપહરણ કરવામાં આવ્યું હતું. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, શનિવાર બપોરે ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના ન્યુ કીથેલમાનબીમાં ત્રણેય યુવાનો ભરતી પરીક્ષા આપવા જઇ રહ્યા હતા ત્યારે હથિયારબંધ કુકી ઉગ્રવાદીઓએ અપહરણ કર્યુ હતું. જો કે, સેનાએ રવિવારે સર્ચ ઓપરેશન દરમિયાન નિંગોમબામ જોન્સન સિંઘ નામના એક યુવકને બચાવી લેવામાં આવ્યો હતો, અન્ય બે યુવકો - ઓઈનમ થોઈથોઈ સિંઘ અને થોકચોમ થોઈથોઈબા સિંઘ હજુ પણ ઉગ્રવાદીઓના કબજામાં છે.
કોંગ્રેસે કાયદો અને વ્યવસ્થા પર ઉઠાવ્યા સવાલો
મણિપુર કોંગ્રેસે આ મુદ્દે રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું છે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કે મેઘચંદ્ર કહ્યું કે, યુવકનું અપહરણ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની નિષ્ફળતા દર્શાવે છે. તેમણે કહ્યું કે, તાજેતરમાં રાજ્યના મુખ્યમંત્રી એન બિરેન સિંહ અને ધારાસભ્યો સાથેની સંયુક્ત બેઠક દરમિયાન તેમણે દેશના બંધારણીય જોગવાઈઓ અને કાયદાઓને લાગુ કરવા માટે મુખ્યમંત્રીને વિનંતી કરી હતી. પત્રકારો સાથે વાત કરતા કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, તેમણે મુખ્યમંત્રીને પણ વિનંતી કરી છે કે તેઓ બન્ને યુવાનોને બચાવવા માટે ગૃહમંત્રી અમિત શાહ પાસે મદદની માંગ કરે.