• હિંસાના 17 કેસની તપાસ સીબીઆઇ હસ્તક

  • હિંસામાં હજુ સુધીમાં 160થી વધુનાં મોત થયાં
  • હિંસા સંબંધી વધુ 9 કેસ તપાસ માટે સીબીઆઇ હસ્તક લેશે

 કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઇ મણિપુર હિંસા સંબંધી વધુ 9 કેસની તપાસ કરવા તૈયાર થઇ ચૂકી છે. તેને પગલે એજન્સી હસ્તક હવે મણિપુર હિંસા સંબંધી કેસની સંખ્યા વધીને 17 થઇ ગઇ છે. ઘટનાક્રમથી જાણકાર અધિકારીએ આ જાણકારી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું મણિપુર હિંસા સંબંધમાં સીબીઆઇ હસ્તકના કેસોની સંખ્યા 17 સુધી મર્યાદિત નહીં રહે. મહિલાઓ વિરુદ્ધ થયેલા અપરાધના અન્ય કેસપણ પ્રાથમિકતા આધારે સીબીઆઇને સોંપી શકાશે.

સીબીઆઇ અત્યારસુધીમાં કેલ આઠ કેસ નોંધી ચૂકી છે. મણિપુરની મહિલાઓ પર થયેલા જાતીય હુમલા સંબંધી બે કેસનો પણ તેમાં સમાવેશ થાય છે. અધિકારીઓએ જણાવ્યું કે મણિપુર હિંસા સંબંધી વધુ 9 કેસ તપાસ માટે પોતાને હસ્તક લેવાની પ્રક્રિયામાંથી સીબીઆઇ પસાર થઇ રહી છે. એજન્સી ચુરાચાંદપુર જિલ્લામાં મહિલાની થયેલી કહેવાતી જાતીય સતામણીનો કેસ પણ પોતાને હસ્તક લઇ શકે છે. અધિકારીએ જણાવ્યું હતું કે મણિપુરનો સમાજ જાતિઓમાં વહેંચાઇ ગયો છે. તેવામાં સીબીઆઇ સામે પક્ષપાતના આક્ષેપોથી બચવાનો પડકાર રહેલો છે. અહીં એક સમુદાય હિંસામાં સામેલ હોય તો બીજા જાતિ સમુદાય દ્વારા આંગળી ઉઠાવવામાં આવે છે. રાજ્યમાં 3મેના રોજ શરૂ થયેલી જાતીય હિંસા અત્યારસુધીમાં 160થી વધુ લોકોનો ભોગ લઇ ચૂકી છે.

કેટલાક કેસોમાં એટ્રોસિટીની કલમ લાગી શકે છે

સીબીઆઇ દ્વારા જે કેસમાં તપાસ થઇ રહી છે તે પૈકી કેટલાક કેસોમાં SC,ST એક્ટ 1998ની કલમો હેઠળ પણ કામગીરી થઇ શકે છે. તપાસ એજન્સી આવા કેસ પોતાના SP સોંપશે. તમામ ફોરેન્સિક નમૂનાને ફોરેન્સિક સાયન્સ લેબમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે કે જેથી તપાસની નિષ્પક્ષતા સામે સવાલ ના ઊઠે.


  • Follow us on: