- કોર્ટે મનીષ સિસોદિયાના જામીન પર નિર્ણય સુરક્ષિત રાખ્યો
- સિસોદિયા તેની બિમાર પત્નીને પોલીસ કસ્ટડીમાં મળી શકશે
- મનીષ સિસોદિયાની આ અરજીનો EDએ વિરોધ કર્યો હતો
આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી સરકારના પૂર્વ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને એક્સાઇઝ પોલિસી કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટમાંથી ભલે જામીન ન મળ્યા હોય, પરંતુ તેમને થોડી રાહત ચોક્કસ મળી છે. કોર્ટે આવતીકાલે એટલે કે 3 જૂને પોલીસ કસ્ટડીમાં થોડાક સમય માટે તેમની બિમાર પત્નીને મળવાની પરવાનગી આપી છે. જોકે કોર્ટે કડક આદેશ આપ્યો છે કે આ દરમિયાન સિસોદિયા ન તો મોબાઈલ ફોન વાપરી શકશે કે ન તો ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકશે.
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રીએ CBI અને ED બંને કેસમાં વચગાળાની જામીન અરજી કોર્ટમાં દાખલ કરી હતી. સિસોદિયાએ તેની બિમાર પત્ની માટે આ જામીન અરજી કરી હતી. આ દરમિયાન સુનાવણી કરતી વખતે કોર્ટે સિસોદિયાની વચગાળાની જામીન અરજી સુરક્ષિત રાખી હતી. તો 3 જૂને પોલીસ કસ્ટડીમાં પત્નીને મળવાની મંજૂરી આપીને થોડી રાહત આપી હતી.
સવારના 10થી સાંજના 5 વાગ્યા સુધી મળી શકશે
કોર્ટે સિસોદિયાને રાહત આપતાં કહ્યું કે તે સવારે 10થી સાંજના 5 વાગ્યા સુધી તેની પત્નીને મળી શકશે. સિસોદિયાએ તેની અરજીમાં ગઈકાલે થોડા કલાકો માટે વચગાળાની રાહત માંગી હતી. કોર્ટે રાહત તો આપી છે, પરંતુ સિસોદિયા સામે એક શરત પણ મૂકી છે. કોર્ટનું કહેવું છે કે મનીષ સિસોદિયા વચગાળાની રાહત દરમિયાન મીડિયાથી અંતર રાખશે અને મીડિયા સાથે કોઈપણ રીતે વાત કરશે નહીં.
પોલીસ કસ્ટડીમાં તેની પત્ની સાથેની મુલાકાત દરમિયાન સિસોદિયાને પરિવારના સભ્યો સિવાય અન્ય કોઈને મળવાની મંજૂરી નથી. આ દરમિયાન તે મોબાઈલ ફોન કે ઈન્ટરનેટનો પણ ઉપયોગ નહીં કરી શકે. સાથે જ હાઈકાર્ટે મનીષ સિસોદિયાની પત્નીની મેડિકલ રિપાર્ટ પણ આવતીકાલે એટલે કે 3 જૂનની સાંજ સુધીમાં જમા કરાવવા કહ્યું છે.
EDએ સિસોદિયાની અરજીનો વિરોધ કર્યો
સિસોદિયાની આ અરજીનો EDએ વિરોધ કર્યો હતો. ED તરફથી ASG એસ.વી રાજુએ કહ્યું છે કે સિસોદિયા જ્યારે મંત્રી હતા ત્યારે તેની પાસે 18 વિભાગ હતા અને તેમની પાસે તેમની પત્નીને મળવાનો સમય ન હતો. હવે તે આ કારણ આપીને જામીન માંગી રહ્યા છે. EDના વકીલે કોર્ટને કહ્યું હતું કે તે પોલીસ એસ્કોર્ટમાં તેની પત્નીને મળી શકે છે.