• મનીષ સિસોદિયાની CBI દ્વારા ધરપકડ કરવામાં આવી છે
  • આવતીકાલે કોર્ટમાં રજૂ કરાતા પહેલા તેમનું મેડિકલ ચેકઅપ કરાશે
  • મનીષ સિસોદિયા દિલ્હીમાં CBIના મુખ્યાલયમાં રાત્રિ રોકાણ કરશે

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની CBI દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને આવતીકાલે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. દિલ્હીમાં નવી દારૂ નીતિના અમલીકરણમાં કથિત ભ્રષ્ટાચારના સંબંધમાં આજે આમ આદમી પાર્ટીના નેતાની ધરપકડ કરવામાં આવી હતી. મનીષ સિસોદિયા દિલ્હીમાં CBIના મુખ્યાલયમાં રાત્રિ રોકાણ કરશે. CBI કોર્ટમાં રજૂ કરતા પહેલા સોમવારે સવારે તેમનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે.

મનીષ સિસોદિયા અને અન્ય લોકો પર રાષ્ટ્રીય રાજધાનીમાં લાવવામાં આવેલી નવી દારૂની નીતિ અંગે ભ્રષ્ટાચારનો આરોપ મૂકવામાં આવ્યો હતો. સીબીઆઈની દલીલ છે કે 2021ની નીતિ ઘડવામાં દારૂની કંપનીઓ સામેલ હતી. આ માટે "સાઉથ ગ્રુપ" નામની લિકર લોબી દ્વારા 100 કરોડ રૂપિયાની લાંચ આપવામાં આવી હતી.

સિસોદિયાની ધરપકડ બાદ આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના તેમના સમકક્ષ ભગવંત માન સિસોદિયાના પરિવારને મળ્યા હતા. ધરપકડની નિંદા કરતા કેજરીવાલે ચેતવણી આપી હતી કે "લોકો જવાબ આપશે".

કેજરીવાલે ટ્વીટ કર્યું હતું કે મનીષ નિર્દોષ છે. તેની ધરપકડ ગંદી રાજનીતિ છે. સિસોદિયાની ધરપકડને કારણે લોકો ઘણા ગુસ્સે છે. જનતા બધું સમજી રહી છે. લોકો આનો જવાબ આપશે. આનાથી અમારા ઉત્સાહમાં વધારો થશે. અમારો સંઘર્ષ વધુ મજબૂત બનશે."


  • Follow us on: