ભારતની ચૂંટણીઓ પર ટિપ્પણી કરવી માર્ક ઝુકરબર્ગને ભારે પડી ગઈ છે. ટિપ્પણીઓને કારણે મેટા મુશ્કેલી મુકાયુ હોય તેવું લાગે છે. હવે સંસદીય પેનલે કંપની વિરુદ્ધ સમન્સ જાહેર કર્યું છે. મેટાને સમન્સ પાઠવવાના સમાચાર એવા સમયે આવ્યા છે, જ્યારે એક દિવસ પહેલા જ, સોમવારે, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગ પર વળતો પ્રહાર કર્યો હતો.
નિવેદન બાદ દેશની છબી ખરડાઈ
ઝુકરબર્ગે દાવો કર્યો હતો કે કોવિડ-19 રોગચાળા પછી ભારત સહિત મોટાભાગના દેશોની વર્તમાન સરકારોને 2024માં ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેમના જવાબમાં મંત્રીએ કહ્યું હતું કે તેમનું નિવેદન હકીકતમાં ખોટું છે. ભાજપના સાંસદ અને સંદેશાવ્યવહાર અને માહિતી ટેકનોલોજી અંગેની સંસદીય સ્થાયી સમિતિના અધ્યક્ષ નિશિકાંત દુબેએ કહ્યું કે મેટાએ ખોટી માહિતી ફેલાવવા બદલ માફી માગવી જોઈએ. આ ખોટી માહિતી માટે સમિતિએ મેટાને સમન્સ પાઠવ્યું છે. સંસદીય સમિતિના અધ્યક્ષે કહ્યું કે કોઈપણ લોકશાહી દેશમાં ખોટી માહિતી દેશની છબીને ખરડાય છે. આ ભૂલ માટે મેટાએ ભારતીય સંસદ અને અહીંના લોકો પાસે માફી માગવી પડશે. તમને જણાવી દઈએ કે સમિતિએ માર્કને 20થી 24 જાન્યુઆરીની વચ્ચે તેની સમક્ષ હાજર થવા અને પોતાનો પક્ષ રજૂ કરવા જણાવ્યું છે.
શું છે સમગ્ર મામલો?
મળતી માહિતી મુજબ, મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે એક પોડકાસ્ટમાં કહ્યું હતું કે કોવિડ-19 મહામારી પછી વિશ્વભરની સરકારો પર લોકોનો વિશ્વાસ ઘટી ગયો છે. તેમણે કહ્યું હતું કે લોકોના આ અસંતોષને કારણે સમગ્ર વિશ્વમાં ચૂંટણી પરિણામો પ્રભાવિત થયા. માર્કે પોતાના નિવેદનોમાં એમ પણ કહ્યું હતું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર ભારતમાં પણ હારી ગઈ.
કેન્દ્રીય મંત્રીએ વાંધો ઉઠાવ્યો હતો
સોમવારે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે માર્કના નિવેદન સામે સખત વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે વિશ્વના સૌથી મોટા લોકશાહી તરીકે ભારતે 64 કરોડથી વધુ મતદારો સાથે 2024ની ચૂંટણી લડી હતી. લોકોએ ત્રીજી વખત પીએમ નરેન્દ્ર મોદીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને તેમને ફરીથી સંસદમાં મોકલ્યા છે. ઝુકરબર્ગનું નિવેદન હકીકતમાં ખોટું છે.