- મુંબઇમાં 63 કલાકનો મેગા બ્લોક શરૂ
- પ્લેટફોર્મના વિસ્તરણને કારણે મેગા બ્લોક
- 956 ઉપનગરીય ટ્રેનો કેન્સલ
સેન્ટ્રલ રેલવેએ મુંબઇ વાસીઓને લોકલ યાત્રા સીમિત કરવા અપીલ કરી છે. કારણ કે મુંબઇ નેટવર્ક પર પ્લેટફોર્મ વિસ્તરણના કામો માટે 30મેથી 63 કલાકનો મેગા બ્લોક જાહેર કરવામાં આવ્યો છે. દક્ષિણ મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) અને થાણે સ્ટેશન પર પ્લેટફોર્મના વિસ્તરણ અને પહોળા કરવાના કામો માટે મેગા બ્લોક લેવામાં આવ્યો છે. જેને કારણે લાખો ઓફિસે જતા પેસેન્જર્સને અસુવિધા થઇ છે.
.લોકલ ટ્રેન સેવાઓને અસર
મેગા બ્લોક શરૂ થતા લોકલ ટ્રેન સેવાઓને અસર પહોંચી છે. પરિણામે મુસાફરોએ પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. સેન્ટ્રલ રેલવેએ પોસ્ટ કરતા જણાવ્યું કે અમે કેન્સલેશન ઘટાડવાનો પ્રયાસ કરીએ છીએ અને મુસાફરોને મુસાફરી મર્યાદિત કરવા વિનંતી કરીએ છીએ. સાથે એમ પણ જણાવ્યું કે બહુ જરૂરી હોય તો જ મુસાફરી કરવા અપીલ કરી. રેલવેએ મુસાફરોને અપીલ કરી છે કે જો જરૂરી ન હોય તો લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાનું ટાળે.
થાણે સ્ટેશન પર પ્લેટફોર્મ 5 અને 6 ને પહોળું કરવા માટે નિર્ધારિત બ્લોકને કારણે મુસાફરોએ 30 મિનિટ સુધી વિલંબ, લોકલ ટ્રેનોમાં ભીડ અને મુખ્ય સ્ટેશનો પર પ્લેટફોર્મ પર વધુ ભીડની ફરિયાદ કરી હતી.
શુક્રવારે મધરાતથી 36 કલાકનો બ્લોક
સેન્ટ્રલ રેલવેના મુંબઈ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર રજનીશ ગોયલે જણાવ્યું કે થાણેમાં પ્લેટફોર્મ નંબર 5 અને 6ને પહોળો કરવા માટે 63 કલાકનો મેગા બ્લોક ગુરુવારે મધરાતથી શરૂ થયો છે, જ્યારે CSMTમાં પ્લેટફોર્મ નંબર 10 અને 11ને પહોળો કરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. શુક્રવાર મધરાતથી સંબંધિત કામ માટે 36 કલાકનો બ્લોક શરૂ થશે.
ક્યારે થશે સમારકામનું કાર્ય પૂર્ણ ?
પ્લેટફોર્મની પહોળાઈ વધાર્યા પછી ફૂટ ઓવર બ્રિજ માટે એસ્કેલેટર અથવા પહોળી સીડી જેવી સુવિધાઓ આપવામાં આવી શકે. મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સ્વપ્નિલ નીલાએ જણાવ્યું હતું કે શુક્રવારથી રવિવાર સુધી મુખ્ય અને હાર્બર કોરિડોર પર કુલ 72 મેલ-એક્સપ્રેસ ટ્રેનો અને 956 ઉપનગરીય ટ્રેનો રદ કરવામાં આવશે. ઘણી મેલ-એક્સપ્રેસ અને ઉપનગરીય ટ્રેનો વડાલા, દાદર, થાણે, પુણે, પનવેલ અને નાસિક સ્ટેશનોથી શોર્ટ ટર્મિનેટ અને શોર્ટ ઓરિજનેટ કરવામાં આવશે. સેન્ટ્રલ રેલવેએ કહ્યું કે અમે તમામ સંસ્થાઓને વિનંતી કરીએ છીએ કે તેઓ તેમના કર્મચારીઓને ઘરેથી કામ આપે અથવા કોઇ અન્ય ઉપાય શોધે જેથી કરીને મુસાફરોની સંખ્યા ઘટાડી શકાય. સેન્ટ્રલ રેલ્વેના જણાવ્યા અનુસાર, આ બ્લોકનું કામ રવિવારે બપોરે 3.30 વાગ્યે સમાપ્ત થશે.