• બ્રિટનમાં રાહુલ ગાંધીએ પીએમ મોદીની નીતિઓના વખાણ કર્યા
  • રાહુલે કહ્યું કે ઉજ્જવલા સ્કીમ અને બેન્ક ખાતા ખોલાવવા સારું પગલું
  • બહુ ઓછા અવસર પર મોદી સરકારના વખાણ કરે છે રાહુલ ગાંધી

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને પીએમ નરેન્દ્ર મોદીના વખાણ કરતાં ભાગ્યે જ તમે સાંભળ્યા હશે. મોટાભાગે તેઓ કેટલીય વખત મોદી સરકાર પર પ્રહારો કરતા રહે છે. પરંતુ બ્રિટનની કેમ્બ્રીજ યુનિવર્સિટીમાં પોતાના સંબોધન દરમ્યાન તેમણે પીએમ મોદીની બે નીતિઓના વખાણ કર્યા છે. તેમણે વિદ્યાર્થીઓને સંબોધિત કરતા કહ્યું કે મોદી સરકારમાં મહિલાઓ માટે લાવવામાં આવેલી ઉજ્જવલા સ્કીમ અને લોકોના બેન્ક એકાઉન્ટ ખોલાવવા એક સારું પગલું છે.

પીએમ મોદીની આ બે નીતિઓના વખાણ કરી ગયા રાહુલ

રાહુલ ગાંધી બ્રિટનની પ્રતિષ્ઠિત કેમ્બ્રીજ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમ્યાન તેમને પૂછવામાં આવ્યું કે શું તમે મોદી સરકારની એ નીતિઓ અંગે કહી શકો છો જે ભારતના હિતમાં છે. આ પ્રશ્નના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે મને લાગે છે કે મહિલાઓ માટે મફત સિલિન્ડરવાળી ઉજ્જવલા યોજના અને બેન્ક ખાતા ખોલાવવા સારું પગલું છે. જો કે તેમણે કહ્યું કે પીએમ મોદી ભારત પર એવા વિચાર થોપી રહ્યા છે જેને કોઇ સ્વીકારશે નહીં.

કેમ્બ્રિજમાં બોલ્યા- ભારતમાં લોકતંત્ર ખતરામાં, મારી વિરૂદ્ધ કેસ થયો છે

રાહુલ ગાંધીએ મોદી સરકારની બે નીતિઓ સિવાય કેટલાંય મુદ્દા પર સરકારની આલોચના પણ કરી છે. રાહુલે કેમ્બ્રીજમાં બોલતા કહ્યું કે ભારતનું લોકતંત્ર ખતરામાં છે. મારી વિરૂદ્ધ કેસ નોંધાયો છે. તેમણે આની વચ્ચે સ્પાય સોફટવેર પેગાસસનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે મારા ફોનમાં પણ પેગાસસ હતું. મને ઓફિસર કહેતા હતા કે ફોન પર સમજી-વિચારીને બોલવું અવાજ રેકોર્ડ થઇ રહ્યો છે. રાહુલે કહ્યું કે વિપક્ષી નેતાઓને બોલવા પર જેલમાં નાંખી દેવાય છે. આવું કેટલીય વખત થઇ ચૂકયું છે.