- મોદીએ આગામી 18થી 22 સપ્ટેમ્બર દરમિયાન સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું
- નવી સંસદમાં કર્મચારીઓ માટે ડ્રેસ કોડ જારી કરાયો
- રાજ્યસભા સચિવાલયમાં કામ કરતા કર્મચારીઓ હવે ખાખી કલરનું પેન્ટ પહેરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી 18થી 22 સપ્ટેમ્બર દરમિયાન સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. પાંચ દિવસના આ સત્રના એક દિવસ અગાઉ 17 સપ્ટેમ્બરે મોદીના જન્મદિને નવા સંસદભવનના ગજદ્વાર પર તિરંગો લહેરાવાશે. સૂત્રોના જણાવ્યાનુસાર રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા નવી સંસદના ગજદ્વાર પર તિરંગો ફરકાવશે. આ દરમિયાન પીએમ મોદી પણ ઉપસ્થિત રહી શકે છે. સંસદના વિશેષ સત્ર દરમિયાન 19 સપ્ટેમ્બરે જૂના સંસદભવનમાંથી નવા સંસદભવનમાં શિફ્ટિંગ થશે. દરમિયાન, નવી સંસદમાં કર્મચારીઓ માટે ડ્રેસ કોડ જારી કરાયો છે. આ ડ્રેસ કોડ મુજબ લોકસભા અને રાજ્યસભા સચિવાલયમાં કામ કરતા કર્મચારીઓ હવે ખાખી કલરનું પેન્ટ પહેરશે. તેઓ બંધ ગળાના સૂટમાં જોવા નહીં મળે. તેની જગ્યાએ તેઓ કમળના સિમ્બોલ સાથેના ડાર્ક પિન્ક કલરના શર્ટ અને મજેન્ટા કે ડાર્ક પિન્ક કલરના નેહરુ જેકેટમાં જોવા મળશે. જોકે સંસદના પાંચ દિવસના વિશેષ સત્રનો એજન્ડા હજુ સ્પષ્ટ થઇ શક્યો નથી.










