• 18થી 22 દરમિયાન યોજાશે વિશેષ સત્રની 5 બેઠકો
  • 17મી લોકસભાનુ 13મુ અને રાજ્યસભાનુ 261મુ સત્ર
  • વિશેષ સત્રમાં સાર્થક અને સકારાત્મક ચર્ચાની આશા

કેન્દ્રની મોદી સરકારે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. આ સત્ર 18થી 22 સપ્ટેમ્બર દરમિયાન ચાલશે. જાણવા મળી રહ્યું છે કે તેમાં 5 બેઠકો કરવામાં આવશે. 17મી લોકસભાનું આ 13માં અને રાજ્યસભાનું આ 261મુ સત્ર હશે. અમૃત કાળ વચ્ચે સંસદના આ વિશેષ સત્રમાં સાર્થક અને સકારાત્મક ચર્ચા થવાની આશા છે.

વાસ્તવમાં, બંધારણના અનુચ્છેદ 85 હેઠળ સંસદનું સત્ર બોલાવવાની જોગવાઈ છે. આ હેઠળ સરકારને સંસદનું સત્ર બોલાવવાનો અધિકાર મળે છે. સંસદીય બાબતોની કેબિનેટ સમિતિ નિર્ણય લે છે જેને રાષ્ટ્રપતિ દ્વારા ઔપચારિક રૂપ આપવામાં આવે છે, જેના દ્વારા સાંસદોને એક સત્રમાં બોલાવવામાં આવે છે.

ચોમાસું સત્ર રહ્યું હતું હંગામેદાર

આ પહેલા 20 જુલાઇથી 11 ઓગસ્ટ સુધી સંસદનુ ચોમાસું સત્ર ચાલ્યું હતું. આ સત્રમાં મણિપુરના મુદ્દાને લઈને ભારે હોબાળો થયો હતો. વિપક્ષ મણિપુર મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનની સાથે ચર્ચા કરવાની માંગ પણ અડગ હતું, જ્યારે સરકાર ગૃહમંત્રી અમિત શાહના જવાબની સાથે ચર્ચાની વાત કરી રહી હતી. તેને લઈને સરકાર અને વિપક્ષ વચ્ચે જોરદાર હોબાળો થયો હતો.

ત્યારબાદ, કોંગ્રેસ મણિપુર મુદ્દે લોકસભામાં મોદી સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ મણિપુરનો ઉલ્લેખ કરીને સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું. આ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ પીએમ મોદીએ આપ્યો હતો. તેની સાથે જ વિપક્ષનો અવિશ્વાસનો પ્રસ્તાવ ફગાવી દેવામાં આવ્યો હતો.

વાસ્તવમાં, મણિપુરમાં 3 મેથી હિંસા ચાલી રહી છે. અહી હિંસામાં 160 લોકોના મોત થયા છે. તોફાની તત્વો દ્વારા 10 હજાર જેટલા ઘરને સળગાવી દેવાયા છે. 50 હજારથી વધુ લોકો રાહત છાવણીઓમાં રહેવા માટે મજબૂર બન્યા છે.


  • Follow us on: