રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે રવિવારે કહ્યું કે રશિયા-યુક્રેન અને ઈઝરાયેલ-હમાસ યુદ્ધને જોતા એવું લાગે છે કે ત્રીજા વિશ્વ યુદ્ધનો ખતરો તોળાઈ રહ્યો છે. મોહન ભાગવતે આ નિવેદન મધ્યપ્રદેશમાં આપ્યું હતું. એમપીના મહાકૌશલ વિસ્તારના દિવંગત સંઘ મહિલા નેતા ડો. ઉર્મિલા જામદારની યાદમાં પ્રવચન આપી રહ્યા હતા તે દરમિયાન તેમણે આ વાત કહી હતી.
ત્રીજા વિશ્વ યુદ્ધનો ખતરો
મોહન ભાગવતે કહ્યું આપણે બધા જ ત્રીજા વિશ્વ યુદ્ધનો ખતરો મંડરાતો અનુભવી રહ્યા છે. અટકળો એવી ચાલી રહી છે કે તે યુક્રેનમાં શરૂ થઇ શકે અથવા તો ગાઝામાં. તેમણે દુઃખની સાથે કહ્યું કે વિજ્ઞાને ઘણી પ્રગતિ કરી છે પરંતુ તેનો લાભ હજી સુધી દેશ અને દુનિયાભરના ગરીબો સુધી નથી પહોંચ્યો અને દુનિયાને નષ્ટ કરનારા હથિયાર દરેક જગ્યાએ પહોંચી ગયા છે. આ અંગે ચિંતન કરતાં મોહન ભાગવતે કહ્યું કે વિશ્વની વર્તમાન સ્થિતિ એવી અટકળોને જન્મ આપી રહી છે કે શું આ સંભવિત યુદ્ધ યુક્રેન અથવા ગાઝાથી શરૂ થઈ શકે છે. તેમનું નિવેદન વૈશ્વિક અશાંતિની ગંભીરતાને પ્રતિબિંબિત કરે છે અને આ વિવાદોના સંભવિત પરિણામો તરફ લોકોનું ધ્યાન દોરે છે.
પર્યાવરણની સ્થિતિ પણ ચિંતાજનક છે – ભાગવત
મોહન ભાગવતે વધુમાં કહ્યું કે કેટલીક રોગોની દવા ગ્રામીણ વિસ્તારોમાં ઉપલબ્ધ ન હોઈ શકે, પરંતુ દેશી રિવોલ્વર (દેશી કટ્ટા) ઉપલબ્ધ છે. પર્યાવરણ અંગે ચિંતા વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે તે એવી સ્થિતિમાં પહોંચી ગયું છે જ્યાં તે રોગોનું કારણ બની રહ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું કે માનવતાની સેવા કરવી એ સનાતન ધર્મ છે, જે હિન્દુ ધર્મનો પર્યાય છે. તેમણે કહ્યું કે હિન્દુત્વમાં દુનિયાને રસ્તો બતાવવાની ક્ષમતા છે. ભાગવતે કહ્યું કે હિંદુ શબ્દ ભારતીય ગ્રંથોમાં દેખાયો તે પહેલાથી જ અસ્તિત્વમાં હતો. તેમણે કહ્યું કે તે પ્રથમ વખત ગુરુ નાનક દેવ દ્વારા જાહેર પ્રવચનમાં રજૂ કરવામાં આવ્યો હતો.