- કેસ કોર્ટમાં હોય અને આરોપીને સમન્સ પર રજૂ કરાયો હોય તો ઈડ્ઢ ધરપકડ કરી શકે નહીં : સુપ્રીમ કોર્ટ
- ઈડીએ સંબંધિત કોર્ટમાં આરોપીની કસ્ટડી મેળવવા અરજી કરવાની રહે છે,
- જો કોર્ટ આ અરજીને માન્ય રાખે તો જ ઈડી આરોપીની ધરપકડ કરી શકે છે
મની લોન્ડરિંગ કેસમાં ઈડી આરોપીની ધરપકડ કરી શકે કે કેમ તે અંગે ગુરુવારે સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વનો અને શકવર્તી આદેશ આપ્યો હતો. કોર્ટે ઠરાવ્યું હતું કે જો સ્પેશિયલ કોર્ટમાં મની લોન્ડરિંગનો કેસ ચાલતો હોય અને આરોપીને કોર્ટમાં સમન્સ પર રજૂ કરવામાં આવ્યો હોય તો ઈડ્ઢ આરોપીને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) ની કલમ 19 હેઠળ તેની ધરપકડ કરી શકે નહીં. જસ્ટિસ અભય ઓકા અને જસ્ટિસ ઉજ્જવલ ભુયાનની બેન્ચે આ આદેશ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના એ ચુકાદાને આધારે આપવામાં આવ્યો છે જેમાં હાઇકોર્ટે આરોપીની ધરપકડ પહેલાંની જામીન અરજીને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા આ વર્ષે જાન્યુઆરીમાં આરોપીને એક કેસમાં વચગાળાનાં જામીન આપવામાં આવ્યા હતા. આ કેસ જમીન કૌભાંડને લગતો હતો. જેમાં કેટલાક રેવન્યૂ અધિકારીઓને મની લોન્ડરિંગનાં આરોપીઓ બનાવવામાં આવ્યા હતા. બેન્ચે કહ્યું કે કોર્ટનાં સમન્સ પછી જો આરોપીને કોર્ટમાં રજૂ કરાયા હોય તો તેમાં એવું માનવામાં નથી આવતું કે તેમની ધરપકડ કરાઈ છે. આવા કિસ્સામાં જે તે એજન્સીએ એટલે કે ઈડીએ સંબંધિત કોર્ટમાં આરોપીની કસ્ટડી મેળવવા અરજી કરવાની રહે છે. જો કોર્ટ આ અરજીને માન્ય રાખે તો જ ઈડી આરોપીની ધરપકડ કરી શકે છે.
ઈડી દ્વારા ધરપકડ અંગે કોર્ટનાં ત્રણ તારણો
કોર્ટે ઈડી દ્વારા આરોપીની ધરપકડ અંગે ત્રણ તારણો રજૂ કર્યા હતા.
મની લૉન્ડરિંગનાં આરોપી જો કોર્ટમાં સમન્સ પછી રજૂ કરાયા હોય તો તેને જામીન માટે અરજી આપવાની જરૂર નથી. આવા કેસમાં PMLAની કલમ 45 હેઠળ જામીનની બેવડી શરતો પણ લાગુ પડે નહીં.
કોર્ટ સમન્સ પછી જો આરોપીને રજૂ કરવામાં આવે તો રિમાન્ડ માટે ઈડીએ સ્પેશિયલ કોર્ટમાં અરજી રજૂ કરવી પડે છે.
કોર્ટને એવું લાગે કે કસ્ટડીમાં પૂછપરછ જરૂરી છે તો જ કોર્ટ ઈડીને તેની કસ્ટડી આપી શકે છે.
કલમ 45ની બે શરતો શું કહે છે?
બંને શરતોમાં કહેવામાં આવ્યું છે કે જો મની લોન્ડરિંગનાં કેસમાં આરોપી જામીન માટે અરજી કરે છે તો કોર્ટ પહેલા સરકારી એજન્સીને સાંભળવાની મંજૂરી આપે છે કોર્ટને જ્યારે સંતોષ થાય કે આરોપી દોષી નથી ત્યારે તે જામીન મંજૂર કરે છે. આરોપી ને છોડવામાં આવ્યા પછી તેનાં દ્વારા ગુનો કરવાની શક્યતા નથી તેવું જણાયા પછી જ કોર્ટ જામીન આપશે. મની લોન્ડરિંગના કેસમાં કોઈ આરોપીને જામીન માટે બેવડા પરીક્ષણમાંથી પસાર થવું પડે છે કે કેમ તે સવાલ પર સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો જેમાં સ્પેશિયલ કોર્ટ દ્વારા ગુનાની સુઓ મોટો નોંધ લેવામાં આવી હતી. PMLAની જોગવાઈઓ અંગે કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ કેસમાં ઈડ્ઢ કોઈ આરોપીની ધરપકડ કર્યા વિના ચાર્જશીટ કરે તો કોર્ટે તેની સુઓમોટો નોંધ લઈને સમન્સ બજાવ્યો હોય તો આવી વ્યક્તિ માટે PMLA હેઠળ જામીનની બેવડી શરતો સંતોષવાની જરૂર નથી.
PMLAની કલમ 19 શું કહે છે?
કોર્ટનાં ચુકાદા મુજબ ઈડી દ્વારા આરોપી વિરુદ્ધ ફરિયાદ મોકલી દીધી હોય પણ આરોપીને તપાસ દરમિયાન પકડવામાં આવ્યો નથી. ત્યાં સુધી અધિકારીઓ PMLA હેઠળ તેમને મળેલા સ્પેશિયલ પાવર્સનો ઉપયોગ કરી શકતા નથી. સેક્શન 19 એવું કહે છે કે જો ઈડીને કોઈ આરોપી ગુનામાં સામેલ હોવાનું જણાય તો તે તેની ધરપકડ કરી શકે છે. સુપ્રીમે અગાઉ 30 એપ્રિલે તેનો ચુકાદો અનામત રાખ્યો હતો.