- દેશના અનેક રાજ્યોમાં વરસાદી માહોલ
- ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર
- આગામી 4-5 દિવસ 16 રાજ્યોમાં વરસાદ થશે
દેશના મોટાભાગના રાજ્યોમાં ચોમાસાની અસર જોવા મળી રહી છે. કેટલીક જગ્યાએ ઓછો વરસાદ પડી રહ્યો છે તો કેટલીક જગ્યાએ વધુ વરસાદ પડી રહ્યો છે. આસામમાં પૂરના કારણે હાહાકાર મચી ગયો છે, જ્યારે હિમાચલ પ્રદેશમાં સતત વરસાદને કારણે પૂરનો ભય છે. મેદાની વિસ્તારોમાં પાણી ભરાયા હતા. દરમિયાન, હવામાન વિભાગે ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. ચાલો જાણીએ કે વાદળો ક્યાં ક્યાં ભારે વરસાદ કરશે?
ભારતીય હવામાન વિભાગ મુજબ, આગામી 4-5 દિવસ સુધી ઉત્તર પશ્ચિમ, પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન, ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. હાલમાં મોટાભાગના રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે.
અહીં ભારે વરસાદ પડશે
દિલ્હી એનસીઆરમાં આજે પણ ઝરમર-ઝરમર વરસાદ પડયો હતો, જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી હતી. આગામી 4-5 દિવસ સુધી આકાશમાં કાળા વાદળો રહેશે અને ઘણી જગ્યાએ વરસાદ પણ પડશે. શુક્રવારે પણ યુપી અને બિહારમાં ભારે વરસાદ પડશે. પશ્ચિમ બંગાળ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને સિક્કિમમાં 6 જુલાઈ સુધી અને ઉત્તરાખંડમાં 7 જુલાઈ સુધી વરસાદ ચાલુ રહેશે. કર્ણાટકના ઘણા જિલ્લાઓમાં 7 જુલાઈ સુધી ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. આવતીકાલે પંજાબ, ગુજરાત, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલયમાં વરસાદ પડી શકે છે.
આ રાજ્યોમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ
છેલ્લા 24 કલાક દરમિયાન દિલ્હી એનસીઆર અને પૂર્વ યુપીમાં વરસાદ પડ્યો હતો. અરુણાચલ પ્રદેશ, કર્ણાટક, કોંકણ, ગોવા, કેરળ, માહે અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થયો છે.
કાશ્મીર-લદ્દાખમાં ક્યારે આવશે ચોમાસું?
IMD લેહના વૈજ્ઞાનિક સોનમ લોટસે કહ્યું કે કાશ્મીર અને લદ્દાખમાં હજુ પણ આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે. ગરમીની લહેરથી લોકો પરેશાન થઈ ગયા છે. બુધવારે શ્રીનગરમાં મહત્તમ તાપમાન 35.6 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતાં 6 ડિગ્રી વધારે હતું. શુક્રવારે કાશ્મીર અને લદ્દાખમાં ચોમાસું આવી શકે છે, જેનાથી લોકોને ગરમીથી રાહત મળશે.