હિમાચલપ્રદેશની રાજધાની સિમલાના સંજોલી પરાવિસ્તારમાં વિવાદિત મસ્જિદને મુદ્દે ચાલી રહેલો હોબાળો શમવાનું નામ નથી લઈ રહ્યો. બુધવારે સંજોલીમાં થયેલા ઉગ્ર દેખાવો પછી ગુરુવારે શહેરના વેપારીઓ રસ્તાઓ પર ઊતરી આવ્યા હતા. ગેરકાયદે મસ્જિદનું નિર્માણ કરવા સામે દેખાવો કરી રહેલા લોકો પર પોલીસે લાઠીમાર કરતાં વેપારીઓમાં આક્રોશ છે.

વેપારીઓએ રેલી યોજીને રસ્તા પર હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા. સંજોલીમાં હિંદુ સમુદાય દ્વારા બુધવારે થયેલા ઉગ્ર દેખાવોમાં સંખ્યાબંધ વેપારી સામેલ થયા હતા. લાઠીમાર થતાં કેટલાક વેપારીને પણ ઈજા પહોંચી હતી. લાઠીમારથી રોષે ભરાયેલા વેપારીઓએ દુકાનો પર તાળા મારી દીધા છે. સિમલા વેપારી મંડળે આહ્વાન કરતાં વેપારીએ નાયબ કમિશનરના કાર્યાલય સુધી રેલી યોજી હતી. વેપારીઓએ અડધા દિવસનો બંધ પાળ્યો હતો. સિમલાના મોલ રોડ, લોઅર બજાર,રામબજાર, કુસુંપટી, પંથાઘાટી, લક્કડ બજારમાં સવારથી જ દુકાન બંધ રહી હતી.

મુસ્લિમો પોતે મસ્જિદ તોડવા માંગે છે
14 વર્ષથી વિવાદોમાં ઘેરાયેલી સિમલાની મસ્જિદ પર મુસ્લિમ પક્ષે મોટો નિર્ણય લીધો છે. હિંદુઓ દ્વારા ચાલી રહેલા આંદોલન વચ્ચે મુસ્લિમ પક્ષે મસ્જિદના ગેરકાયદે બાંધકામના ભાગને પોતે જ તોડી પાડવા નિર્ણય લીધો છે. અદાલતમાં ચાલી રહેલા વિવાદનો ચુકાદો આવે તે પહેલાં જ મુસ્લિમ વેલફેર કમિટિના પ્રતિનિધીઓએ સિમલા મ્યુનિસિપાલિટી કમિશનરને કહ્યું છે કે મસ્જિદના ગેરકાયદે ભાગને સીલ કરી દેવામાં આવે, તેઓ પોતે જ તે તોડી પાડશે.

  • Follow us on: