• ત્રણ બેન્કના ઉપલબ્ધ ડેટા આધારે વિશ્લેષણ

  • 31 જુલાઈ સુધીમાં 88 ટકા નોટ ચલણમાંથી પાછી ફરી : રિઝર્વ બેન્ક
  • બેન્ક પાસે પરત જમા થયેલી રૂપિયા 2000ની નોટ પૈકી 90 ટકા નોટ ધંધાદારી વર્ગ દ્વારા જમા થઈ

ત્રણ બેન્કના ઉપલબ્ધ ડેટા મુજબ રૂપિયા 2000ની નોટ પરત કરવાની પ્રક્રિયા દરમિયાન પરત થયેલી મોટાભાગની નોટ રિટેલ ગ્રાહકો પાસેથી નહીં પણ ધંધાદારીઓ પાસેથી પાછી ફરી છે. આ પહેલાં રિઝર્વ બેન્કે 1લી ઓગસ્ટે જણાવ્યું હતું કે 31 જુલાઈ સુધીમાં રૂપિયા 3.14 લાખ કરોડ અર્થાત 88 ટકા જેટલી રૂપિયા 2000ની નોટ બેન્કિંગ સિસ્ટમમાં પાછી ફરી ચૂકી છે. રિઝર્વ બેન્કે રૂપિયા 2000ની નોટને ચલણમાંથી પાછી ખેંચ્યા પછી બેન્કિંગ સિસ્ટમમાં રહેલી વધારાની લિક્વિટિડીને આંકવા માટે આઇસીઆરઆર (ઇન્ક્રિમેન્ટલ કેશ રિઝર્વ રેશિયો) પણ લોન્ચ કર્યો હતો. રિઝર્વ બેન્કે પોતાની ક્લીન નોટની નીતિને અનુસરતાં 19મે, 2023ના રોજ રૂપિયા 2000ની નોટને ચલણમાંથી પાછી ખેંચી હતી.

ઉપલબ્ધ આંકડા મુજબ જાહેર ક્ષેત્રની ધિરાણ બેન્ક ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક પાસે ડિપોઝિટ અને એક્સ્ચેન્જના રૂપમાં રૂપિયા 3,589 કરોડના મૂલ્યની રૂપિયા 2000ની નોટ પાછી ફરી છે. બેન્કના એમડી અને સીઈઓ અજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે પરત આવેલી નોટ પૈકી 40 ટકા નોટ બિઝનેસ સેક્ટરમાંથી પાછી ફરી છે. તેમાંય મોટા ભાગે નાના વેપારીઓ પાસેથી નોટ પાછી ફરી છે. તે જ પ્રમાણે યુકો બેન્ક પાસે રૂપિયા 3,471 કરોડના મૂલ્યની રૂપિયા 2000ની ચલણી નોટ પાછી ફરી છે. યુકો બેન્કના એમડી અને સીઈઓ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે રિટેલ ગ્રાહકો પાસેથી 42 ટકા તો ધંધાદારીઓ પાસેથી 58 ટકા નોટ પાછી ફરી છે.

તે પ્રમાણે સિટી યુનિયન બેન્કને પણ રૂપિયા 380 કરોડના મૂલ્યની નોટ પરત મળી છે. બેન્કના સૂત્રોએ જણાવ્યા મુજબ બેન્ક પાસે પરત જમા થયેલી રૂપિયા 2000ની નોટ પૈકી 90 ટકા નોટ ધંધાદારી વર્ગ દ્વારા જમા થઈ છે.


  • Follow us on: