મધ્યપ્રદેશના સીધી જિલ્લામાં રવિવારે રાત્રે લગભગ 2 વાગ્યે એક ભયાનક માર્ગ અકસ્માત થયો. મુંડન કરાવા માટે મૈહર મંદિર જઈ રહેલા ભક્તોથી ભરેલા વાહન અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જેના કારણે વાહનમાં સવાર 7 લોકોના મોત થયા. જ્યારે 14 લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. ઇજાગ્રસ્તોમાંથી 9 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને સંજય ગાંધી, રીવા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે અન્યને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઇજાગ્રસ્તોને ખસેડાયા હોસ્પિટલ 
ઘટના એટલી ભયાનક હતી કે ચીસાચીસ મચી ગઇ હતી. સૂચના મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. જે બાદ પોલીસે ઇજાગ્રસ્તોને ગ્રામજનોની મદદથી હોસ્પિટલ પહોંચાડ્યા હતા. હાલ અહીં તમામની સારવાર ચાલી રહી છે.

તપાસ બાદ હાથ ધરાશે કાર્યવાહી 
ઘટનાની માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે સીધી જિલ્લામાં એક મોટો અકસ્માત થયો. જ્યાં શ્રદ્ધાળુઓનું વાહન એક ટ્રક સાથે અથડાયું. જેના કારણે 7 લોકોના મોત થયા હતા. વાહન અને ટ્રક વચ્ચે સામસામે ટક્કર થઈ છે. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. જ્યારે ઘાયલોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે વાહનમાં સવાર લોકો મૈહર માતાના દર્શન કરવા જઈ રહ્યા હતા. જ્યાં બાળકની મુંડન વિધિનો કાર્યક્રમ હતો. હાલમાં અકસ્માતના કારણોની તપાસ ચાલી રહી છે. તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

  • Follow us on: