મધ્યપ્રદેશના ઉર્જામંત્રીનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેમના હાથમાં પોતું જોવા મળી રહ્યું છે. આ દ્રશ્યો છે શિવપુરી જિલ્લાના હોસ્પિટલના. કે જ્યાં વોર્ડમાં ગંદકી દેખાતા મંત્રીનો પિત્તો ગયો અને જાતે જ સફાઇ અભિયાન શરૂ કરી દીધું. આ વીડિયો સામે આવતા અધિકારીઓ સહિત હોસ્પિટલ પ્રશાસન દોડતુ થયુ હતું.


જાતે જ સફાઇ કરવા લાગ્યા મંત્રી

મહત્વનું છે કે ગઇકાલે મંત્રી પ્રદ્યુમન સિંહ તોમર અચાનક શિવપુરી જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમની સાથે તેમના ગાર્ડ સિવાય કોઈ ન હતું. હોસ્પિટલ પહોંચીને તે વોર્ડમાં ફરવા લાગ્યા આ દરમિયાન સૌથી પહેલા તેઓ મેડિકલ વોર્ડમાં પહોંચ્યા હતા. જ્યાં અતિશય ગંદકી જોવા મળી હતી. તેઓએ સર્જીકલ વોર્ડ અને આઈસીયુ વોર્ડમાં પણ ગંદકી જોઈ. આનાથી મંત્રી નારાજ થઈ ગયા અને રાત્રે જ સફાઈ એજન્સી વિરુદ્ધ FIR નોંધાવી દીધી.


હોસ્પિટલમાં ગંદકી જોઇને ભડક્યા

ઘટનાની માહિતી મળતા જ કોતવાલી પોલીસે તરત જ સિગ્મા ઈન્ફોટેક કંપની વિરુદ્ધ FIR નોંધી હતી. તેની નકલ મંત્રીને આપી હતી. ઉલ્લેખનીય છે કે ઉર્જામંત્રી લગભગ 2 કલાક સુધી જિલ્લા હોસ્પિટલમાં રહ્યા. મળતી માહિતી મુજબ પ્રભારી મંત્રી અચાનક જિલ્લા હોસ્પિટલમાં પહોંચી ગયા હતા. મંત્રીની જિલ્લા હોસ્પિટલની મુલાકાતની માહિતી મળતાની સાથે જ સિવિલ સર્જન બીએલ યાદવથી લઈને એસડીએમ ઉમેશ કૌરવ, એડિશનલ એસપી સંજીવ મુલે અને બાદમાં કલેક્ટર રવિન્દ્ર કુમાર ચૌધરી તમામ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.


એમ્બ્યુલન્સમાં ડ્રાઇવર ગેરહાજર

નિરીક્ષણ કરતા મંત્રી પરિસરના પાણી પીવાના સ્થળે પહોંચ્યા હતા ત્યાં પણ એટલી જ ગંદકી હતી. આ જોઇને મંત્રીએ કહ્યું કે અહીંથી કોણ પાણી પી શકે. તેમણે નારાજગી વ્યક્ત કરતાં એસડીએમ ઉમેશ કૌરવને શૌચાલયની સ્થિતિ ઠીક કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત પરિસરમાં પાર્ક કરેલી એમ્બ્યુલન્સમાં ડ્રાઈવર પણ હાજર ન હતો જે જોઇને તેમણે નારાજગી વ્યક્ત કરી હતી.


હોસ્પિટલની કથળતી સ્થિતિ

મંત્રીએ હોસ્પિટલમાં એક-એક પોલીસકર્મી તૈનાત કરવાનું કહેવામાં આવ્યું હતું. મંત્રીએ હોસ્પિટલમાં ગાર્ડ યુનિફોર્મમાં ન હોવા અંગે પણ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે જો તમે ડ્રેસમાં નહીં હોવ તો તમને કોણ ઓળખશે. આ પછી, ઉર્જા પ્રધાન પ્રદ્યુમન સિંહ તોમરે જિલ્લા હોસ્પિટલના ગેટ પર જઈને કલેક્ટર રવિન્દ્ર કુમાર ચૌધરીને જિલ્લા હોસ્પિટલની કથળેલી વ્યવસ્થાને પાટા પર લાવવા કહ્યું હતું.


  • Follow us on: