- મુખ્તાર ઉપરાંત ભીમ સિંહને પણ 10 વર્ષની સજા ફટકારવામાં આવી
- 1996માં નોંધાયેલા ગેંગસ્ટર કેસમાં 26 વર્ષ બાદ કોર્ટે સજા ફટકારી
- ગેંગસ્ટર એક્ટમાં કુલ 5 કેસ નોંધાયા હતા
ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં બંધ બાહુબલી નેતા અને પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અંસારીને ગેંગસ્ટર એક્ટ સંબંધિત કેસમાં 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ સાથે મુખ્તાર અન્સારી પર 5 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. મુખ્તાર ઉપરાંત ભીમ સિંહને પણ 10 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. ગાઝીપુર ગેંગસ્ટર કોર્ટે આ ચુકાદો આપ્યો છે.
આ પહેલા ગુરૂવારે ગેંગસ્ટર કોર્ટે મુખ્તાર અંસારી અને તેના સાથી ભીમ સિંહને પણ દોષિત ઠેરવ્યા હતા. સજા દરમિયાન ભીમ સિંહ કોર્ટમાં હાજર થયો હતો. જ્યારે મુખ્તાર અંસારીને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. આ મામલે ચર્ચા થોડા દિવસો પહેલા જ પૂર્ણ થઈ હતી.
આ કેસ 26 વર્ષ જૂનો છે
1996માં નોંધાયેલા ગેંગસ્ટર કેસમાં 26 વર્ષ બાદ કોર્ટે બાહુબલી નેતા મુખ્તાર અંસારીને દોષિત જાહેર કર્યો હતો. ગેંગસ્ટર એક્ટમાં કુલ 5 કેસ નોંધાયા હતા. ગાઝીપુરમાં બે, વારાણસીમાં બે અને ચંદૌલીમાં એક કેસ નોંધાયો હતો. આ કેસમાં 12મી ડિસેમ્બરે 11 સાક્ષીઓની જુબાની, ઉલટ તપાસ અને ચર્ચા પૂરી થઈ હતી. આ પછી 15 ડિસેમ્બરે ચુકાદો સંભળાવવાની તારીખ નક્કી કરવામાં આવી હતી.
12 ડિસેમ્બરે ADGC ક્રિમિનલ નીરજ શ્રીવાસ્તવે કહ્યું હતું કે મુખ્તાર અંસારી અને તેના સહયોગી ભીમસિંહ વિરુદ્ધ વર્ષ 1996માં ગેંગસ્ટરનો કેસ નોંધવામાં આવ્યો હતો. જે લાંબા સમયથી કોર્ટમાં પેન્ડિંગ હતો, જેનો નિર્ણય ગત 25 નવેમ્બરે આવવાનો હતો પરંતુ અચાનક પ્રિસાઇડીંગ ઓફિસરની બદલી થતાં અને નવા પ્રિસાઇડીંગ ઓફિસર આવ્યા બાદ રોજબરોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને 12મી ડિસેમ્બરે પૂર્ણ થઇ હતી.