- મુખ્તાર અંસારીનું હાર્ટ અટેકને કારણે નિધન
- બાંદા સરકારી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
- ગુનાઓની દુનિયામાં જાણીતુ નામ, કરોડોની સંપત્તિના માલિક
યુપીના મઉ જિલ્લાની સદર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય મુખ્તારનું ગુરુવારે બાંદાની સરકારી હોસ્પિટલમાં હાર્ટ એટેકથી અવસાન થયું હતું. ગાઝીપુરના યુસુફપુર મોહમ્મદાબાદનો રહેવાસી માફિયા છેલ્લા ત્રણ વર્ષથી બાંદા જેલમાં બંધ હતો. ત્યારે આવો જાણીએ અંસારી પાસે કેટલી હતી સંપત્તિ.
મુખ્તાર અંસારી પાસે 21 કરોડથી વધુની સંપત્તિ
મુખ્તાર વિશે એવું કહેવાય છે કે તેની ગુનાખોરીની દુનિયા અને રાજકીય સાંઠગાંઠથી સેંકડો કરોડની સંપત્તિ એકઠી કરી હતી. મુખ્તાર અંસારી 2017માં જેલમાંથી છેલ્લી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા પણ હતા. તેઓ પાંચ વખત ધારાસભ્ય રહ્યા હતા. ચૂંટણીમાં મુખ્તાર દ્વારા દાખલ કરવામાં આવેલા સોગંદનામા મુજબ, તેમની પાસે કુલ 21.88 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ હતી. આમાંની મોટાભાગની સંપત્તિઓ, આશરે રૂ. 20 કરોડ, રિયલ એસ્ટેટમાં રોકાણ કરવામાં આવી છે.
2015-16માં કુલ આવક 17.75 લાખ હતી
ચૂંટણી એફિડેવિટ મુજબ, મુખ્તાર અંસારી અને તેની પત્નીની સંયુક્ત રીતે લગભગ 3.23 કરોડ રૂપિયાની ખેતીની જમીન છે. આ ઉપરાંત તેમની પાસે રૂ. 4.90 કરોડની બિનખેતીની જમીન છે. માત્ર જમીન જ નહીં, પરંતુ તેમનો પરિવાર ગાઝીપુરથી લખનૌ સુધીની ઘણી કોમર્શિયલ ઈમારતો પણ ધરાવે છે, જેની કિંમત 2017માં 12.45 કરોડ રૂપિયા હતી. તેની પાસે 1.70 કરોડ રૂપિયાની અનેક રહેણાંક ઇમારતો પણ છે. સંપત્તિ ઉપરાંત મુખ્તાર પર 6.91 કરોડ રૂપિયાની જવાબદારી હતી. મુખ્તાર અંસારીની 2015-16માં કુલ આવક 17.75 લાખ રૂપિયા હતી. આ સિવાય તેના બે આશ્રિતોની આવક 2.75 લાખ અને 3.83 લાખ રૂપિયા હતી.
2017માં દાખલ કરેલા એફિડેવિટ મુજબ
અંસારીએ 2017ની યુપી વિધાનસભા ચૂંટણીમાં દાખલ કરેલી એફિડેવિટ મુજબ તેમના પરિવારના ખાતાઓમાં 10.61 લાખ રૂપિયા જમા થયા હતા. 3.45 લાખ રોકડ ઉપરાંત વીમામાં 1.90 લાખ રૂપિયાનું રોકાણ હતું. તેમના પરિવાર પાસે કુલ 72 લાખ રૂપિયાનું સોનું હતું. તેમની પાસે એનપી બોરની રિવોલ્વર, શોટગન અને રાઈફલ જેવા હથિયારો હતા જેની કુલ કિંમત રૂ. 27.50 લાખ હતી.
1996માં બહુજન સમાજ પાર્ટીમાંથી ચૂંટાયા
1978 ની શરૂઆતમાં માત્ર 15 વર્ષની ઉંમરે, અન્સારીએ ગુનાની દુનિયામાં પ્રવેશ કર્યો. પહેલો કેસ ગાઝીપુરના સૈયદપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 506 (ગુનાહિત ધમકી) હેઠળ અંસારી વિરુદ્ધ નોંધવામાં આવ્યો હતો. લગભગ એક દાયકા પછી, 1986 માં, જ્યારે તે કોન્ટ્રાક્ટ માફિયાઓમાં એક જાણીતો ચહેરો બની ગયો હતો, ત્યારે ગાઝીપુરના મોહમ્મદબાદ પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 302 (હત્યા) હેઠળ તેની વિરુદ્ધ બીજો કેસ નોંધવામાં આવ્યો હતો. પછીના દાયકામાં, તે ગુનાની દુનિયામાં પ્રવેશી ગયો હતો અને તેની સામે ઓછામાં ઓછા 14 વધુ જઘન્ય ગુનાઓ નોંધાયા હતા. અંસારી સૌપ્રથમ 1996માં બહુજન સમાજ પાર્ટી (BSP)ની ટિકિટ પર મઉથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે 2002 અને 2007ની વિધાનસભા ચૂંટણીમાં સ્વતંત્ર ઉમેદવાર તરીકે આ બેઠક પર તેમની જીતનો દોર ચાલુ રાખ્યો હતો.