- જયપુર, નાગપુર સહિત દેશના અનેક એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી
- એક સાથે અનેક એરપોર્ટને મળી બોમ્બથી ઉડાવાની ધમકી
- નાગપુરના સોનેગાંવ પોલિસ સ્ટેશનમાં કરી ફરિયાદ
જયપુર, નાગપુર, કાનપુર અને ગોવા સહિત દેશના અનેક એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. સોમવારે એટલે કે આજે એક ધમકી ભર્યો ઇમેલ મળ્યો છે. સોમવારે સવાલે 10 વાગે ઇમેલ મળ્યો હોવાનું નાગપુર એરપોર્ટ એડમિનિસ્ટ્રેશને જણાવ્યું હતું.
સોનેગાંવ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ
આ ઈમેલ એરપોર્ટ ડાયરેક્ટર આબિદ રુઈના મેઈલ આઈડી પર મળ્યો હતો. આ અંગે એરપોર્ટના વરિષ્ઠ સુરક્ષા અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. એરપોર્ટ પ્રશાસને નાગપુરના સોનેગાંવ પોલીસ સ્ટેશનને ધમકીભર્યા ઈમેલની ફરિયાદ કરી છે. એરપોર્ટની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
ડરાવવાના ઇરાદે કર્યો ઇમેઇલ ?
કોણે આ પ્રકારનો ઇમેઇલ કર્યો તેને લઇને તપાસ ચાલી રહી છે પરંતુ પોલીસને આશંકા છે કે આ એક ફેક ઇમેઇલ હોઇ શકે. ડર અને ગભરાહટ ફેલાવવાના ઇરાદે આવો ઇમેઇલ મોકલવામાં આવ્યો હોઇ શકે છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ઇમેઇલ કોણે મોકલ્યો તે તપાસ ચાલી રહી છે. બે દિવસ પહેલા પણ કોલકાતા સહિત દેશના ઘણા એરપોર્ટ પર આવા જ ઈમેલ મળ્યા હતા જે ફેક હોવાનું પછીથી સામે આવ્યું હતું.
ગોવા એરપોર્ટને પણ મળી હતી ધમકી
ગોવાના ડાબોલિમ એરપોર્ટને તેમના સત્તાવાર ઈમેલ પર બોમ્બની ધમકી મળી હતી. એરપોર્ટ ઓથોરિટીએ પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ બોમ્બ સ્કવોડે એરપોર્ટ પર સર્ચ કર્યું હતું. જો કે, કંઈ પણ મળી આવ્યુ ન હતું. એરપોર્ટ ડાયરેક્ટરે આ અંગે જણાવ્યું હતું કે એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.
જયપુર એરપોર્ટ પર પણ મળ્યો હતો ઇમેઇલ
રાજસ્થાનના જયપુર ઈન્ટરનેશનલ એરપોર્ટને પણ આજે સવારે ઈમેલ મળ્યો હતો. જે બાદ સર્ચ ઓપરેશન કરાયુ હતું પરંતુ કંઇ શંકાસ્પદ મળી આવ્યુ ન હતું. એક અધિકારીએ કહ્યું કે અમે વિવિધ રાજ્યોમાં અમારા સમકક્ષોને ધમકીભર્યા ઈમેલ મોકલવામાં સામેલ આરોપીઓને શોધવા માટે સહયોગ કરી રહ્યા છીએ. પોલીસની ટેકનિકલ સેલ પણ આ મામલે સક્રિયપણે તપાસ કરી રહી છે.









