- મુંબઈ એરપોર્ટ પર લોડરની ભરતી માટે 600ની જગ્યાએ હજારો લોકો ઉમટયા
- એરપોર્ટ પર જંગી ભીડ એકઠી થતા એરપોર્ટ સંચાલકોને ભારે જહેમત ઉઠાવવી પડી
- એરપોર્ટ પર નોકરી માટે આવેલી ભીડનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
મુંબઈના એરપોર્ટ પર એર ઈન્ડિયાની તરફથી એરપોર્ટ લોડર માટે ભરતી દરમિયાન નાસભાગ જેવી સ્થિતિ પેદા થઈ હતી. 600 જગ્યા માટે 25 હજારથી વધુ અરજદારો પહોંચી જતા એર ઈન્ડિયાના કર્મચારીઓને ભારે ભીડને સંભાળવા ખૂબ જહેમત ઉઠાવવી પડી હતી. વધુ ભીડ એકઠી થઈ જવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ફોર્મ કાઉન્ટર સુધી પહોંચવા માટે અરજદારોએ ધક્કામુક્કી કરી હતી.
એરપોર્ટના લોડરોને વિમાન પર સામાન ચઢાવવાનો અને ઉતારવા તેમજ બેગેઝ બેલ્ટનું કામ હોય છે. રેમ્પ ટ્રેકટર ચલાવવાનું કામ સોંપવામાં આવે છે. દરેક વિમાનનો સામાન કાર્ગો અને ખાદ્ય પુરવઠાને સંભાળવા માટે ઓછામાં ઓછા પાંચ લોડરોની જરૂર પડતી હોય છે.
પગાર ધોરણ શું હોય છે ?
એરપોર્ટના લોડરનું વેતન 20 હજારથી 25 હજાર રૂપિયા પ્રતિ મહિનો હોય છે. પરંતુ મોટાભાગના ઓવરટાઈમ ભથ્થા પછી 30 હજારથી વધુ કમાઈ લેતા હોય છે. નોકરી માટે શૈક્ષણિક માપદંડ પાયાનું છે પરંતુ ઉમેદવાર શારીરિક રીતે મજબૂત હોવો જોઈએ.
ગુજરાતમાં પણ નોકરીના ઈન્ટરવ્યૂ માટે ભીડ એકઠી થઈ હતી
તાજેતરમાં ગુજરાતના ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં પણ 40 ખાલી જગ્યા માટે વોક-ઈન-ઈન્ટરવ્યૂ માટે આશરે 800 લોકો ઉમટી પડયા હતા. આ દરમિયાન નાસભાગ મચી હતી. હોટલના ગેટ તરફ જતા રેમ્પ પર ચઢવાના પ્રયાસ કરી રહેલા અરજદારોની લાંબી લાઈન અને ધક્કામુક્કીનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. આ દરમ્યાન રેમ્પની રેલિંગ તૂટી ગઈ હતી. જેથી ઘણા લોકો નીચે પડયા હતા. જો કે સદભાગ્યે કોઈ ઈજાગ્રસ્ત નહોતું થયું.









