છેલ્લા ઘણા ટ્રેન, બસ તથા ફ્લાઇટમાં બોમ્બ હોવાના સમાચારો સામે આવી રહ્યા છે. આજે સવારે મુંબઇથી ન્યુયોર્ક જતી ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી ત્યારે હવે મુંબઇથી હાવડા જતી ટ્રેનમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી છે. જેને લઇને તપાસ એજન્સીઓ એક્શન મોડમાં જોવા મળી રહી છે. મુંબઇ હાવડા મેલ ટ્રેનમાં હાલ તપાસ ચાલી રહી છે.

2 કલાક ટ્રેન રોકીને કરાઇ તપાસ
મળતી માહિતી મુજબ સોશિયલ મીડિયા થકી ધમકી આપવામાં આવી હતી. જેમાં નાસિકમાં ટાઈમર બોમ્બ દ્વારા બ્લાસ્ટ થવાની ધમકી આપવામાં આવી હતી. આ એક્સ-પોસ્ટમાં મહારાષ્ટ્ર પોલીસ માટે અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જો કે બોમ્બ બ્લાસ્ટની માહિતી મળતા જ અધિકારીઓની ટીમ દોડતી થઇ હતી. સોમવારે સવારે 4 વાગે મુંબઈ-હાવડા મેલને જલગાંવ ખાતે રોકીને તપાસ કરવામાં આવી હતી. જો કે બે કલાકની તપાસ બાદ કંઇ જ શંકાસ્પદ મળ્યુ ન હતું અને અંતે બોમ્બ મળવાની ધમકી માત્ર અફવા સાબિત થઈ.

કોણે આપી ધમકી ?
તમને જણાવી દઈએ કે ટ્રેનને ઉડાવી દેવાની ધમકી ફઝાલુદ્દીન નામના એકાઉન્ટ દ્વારા આપવામાં આવી હતી. ધમકીમાં લખવામાં આવ્યું હતું કે ઓ હિન્દુસ્તાની રેલ્વે, શું તમે લોકો આજે સવારે લોહીના આંસુ પાડશો? આજે ફ્લાઈટમાં અને ટ્રેન 12809માં પણ બોમ્બ મૂકવામાં આવ્યો છે. નાશિક પહોંચતા પહેલા મોટો ધડાકો થશે.

અઠવાડિયા પહેલા પણ મળી હતી ધમકી

ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે પણ ઉત્તર પ્રદેશના ટુંડલા રેલવે સ્ટેશન પર બોમ્બની ધમકીને કારણે પુરી-નવી દિલ્હી પુરૂષોત્તમ એક્સપ્રેસ ત્રણ કલાકથી વધુ મોડી પડી હતી. આ પછી સમાચાર આવ્યા કે શંકાસ્પદ આતંકવાદીઓ ટ્રેનમાં વિસ્ફોટકો સાથે મુસાફરી કરી રહ્યા છે. આ એલર્ટ એક્સ યુઝરના એકાઉન્ટમાંથી મળી હતી. જો કે પાછળથી આ ઘટનાની તપાસ કરતા અફવા સાબિત થઇ હતી.

  • Follow us on: