- મુંબઇમાં ધોધમાર વરસાદ વચ્ચે એલર્ટ
- હવામાન વિભાગે હાઇ ટાઇડનું આપ્યું એલર્ટ
- 6 કલાકમાં 12 ઇંચ વરસાદ થતા મુંબઇ પાણી પાણી
મુંબઈમાં ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન ઠપ થઈ ગયું છે. 6 કલાકમાં 12 ઇંચ વરસાદ વરસતા મોટા ભાગના વિસ્તારો પાણી પાણી થયા છે. 5થી વધારે ટ્રેન રદ કરવામાં આવી છે. રેલવેના પાટા પર પાણી ફરી વળ્યુ છે. મૂશળધાર વરસાદને કારણે પૂરપાટ દોડતી મુંબઇ નગરી જાણે કે થંભી ગઇ છે. ત્યારે મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે હવામાન વિભાગે હાઇ ટાઇડની ચેતવણી આપી છે.
શું કહે છે હવામાન વિભાગ ?
હવામાન વિભાગે કહ્યું કે દરિયામાં હાઇટાઇડ જોવા મળશે. દરિયામાંથી ઉછળતા મોજાઓની ઊંચાઈ 4.40 મીટર સુધી પહોંચી શકે છે. BMCના પ્રવક્તાએ કહ્યું ભારત હવામાન વિભાગ (IMD) એ મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. પશ્ચિમ રેલવેએ જણાવ્યું કે ભારે વરસાદને કારણે માટુંગા રોડ અને દાદર વચ્ચે પાણીનું સ્તર ટ્રેક લેવલથી ઉપર ગયું છે, જેના કારણે ઉપનગરીય ટ્રેનો 10 મિનિટ મોડી ચાલી રહી હતી.
રેલ સેવા પ્રભાવિત
મુંબઇના નીચાણવાળા વિસ્તારો તો ખરાજ પરંતુ રેલવે પણ પ્રભાવિત થઇ હતી. પાટા પાટા પર પાણી ભરાઈ જવાને કારણે મુંબઈ ડિવિઝનની 5 ટ્રેનો રદ કરવામાં આવી છે. કેટલીક લોકલ ટ્રેનો પણ કલાકો મોડી ચાલી રહી છે.
સરકારી-ખાનગી શાળાઓમાં રજા
વરસાદ એટલો વરસ્યો કે કમર સમા પાણી ભરાઇ ગયા છે. રોડ રસ્તા જાણે નદી બન્યા હોય તેવી સ્થિતિ છે. તેવામાં BMCએ મુંબઈની સરકારી અને ખાનગી શાળાઓ અને કોલેજોમાં આજે રજા જાહેર કરી છે.
કુર્લા રેલવે સ્ટેશન પર પાણી ભરાયું
મુંબઈ ભારે વરસાદને કારણે શહેરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. કુર્લા સ્ટેશન પર પાટા પર પાણી ભરાયેલા જોવા મળ્યા હતા પરિણામે મુસાફરોએ ટ્રેન મોડી પડવાને કારણે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.









