[[$googlead]]
મુંબઇમાં બરાબરનો વરસાદી માહોલ જામ્યો છે. મુંબઇના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થયા છે. સોમવારનો દિવસ હોવાથી નોકરી ધંધા અને શાળાએ જતા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે. ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા છે. પુણે, નાસિક, સતારા અને વાશિમમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. ઠેર ઠેર પાણી ભરાઇ જવાથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.

કેઇએમ હોસ્પિટલમાં પાણી ભરાયા
મળતી માહિતી મુજબ કેઇએમ હોસ્પિટલમાં પણ વરસાદી પાણી ભરાયા છે. વરસાદને કારણે માહોલ એવો ઘેરાયો છે કે ધોળા દિવસે પણ વાહનોની હેડલાઇટ ચાલુ કરવાની ફરજ પડી છે. મહત્વનું છે કે મહારાષ્ટ્રમાં 12 દિવસ વહેલા ચોમાસાની એન્ટ્રી થતા મુંબઇ પાણી પાણી થયુ છે.

અંધેરી સબ વેમાં અઢી ફૂટ પાણી
અંધેરી સબ વે માં અઢી ફૂટ સુધી પાણી ભરાયા છે. આ ઉપરાંત પનવેલ રેલવે સ્ટેશન પરિસરમાં પણ પાણી ભરાયુ છે. હાઇટાઇડનુ એલર્ટ અપાતા લોકોને જુહુ બીચ પર ન જવાની સલાહ આપવામાં આવી છે. કારણ કે 4 મીટર જેટલા ઊંચા મોજા ઉછળી શકે તેવી સંભાવનાને પગલે હાલ જુહુ બીચ પર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

પુણેમાં ધોધમાર વરસાદ
પુણેના બારામતી અને ઇન્દાપુર તાલુકામાં રવિવારે ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેને પગલે જિલ્લા મેજિસ્ટ્રેટની તાત્કાલિક વિનંતી પર, રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ (NDRF) ને એક ખાસ ટીમ તૈનાત કરવામાં આવી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે બારામતી તાલુકામાં દિવસ દરમિયાન 83.6 મીમી વરસાદ પડ્યો હતો, જ્યારે ઇન્દાપુરમાં 35.7 મીમી વરસાદ નોંધાયો હતો. પુણે (ગ્રામીણ) ના પોલીસ અધિક્ષક સંદીપ સિંહ ગિલે જણાવ્યું હતું કે ઇન્દાપુર નજીક પુણે-સોલાપુર હાઇવેનો એક ભાગ પાણી ભરાવાના કારણે લગભગ બે કલાક માટે બંધ રહ્યો હતો, પરંતુ પાણી ઓસર્યા પછી વાહનવ્યવહાર ફરી શરૂ થયો હતો.

  • Follow us on: