મહારાષ્ટ્રની રાજધાની મુંબઇ અને તેના પાડોશી જિલ્લાઓમાં હવામાન વિભાગે વરસાદને કારણે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. બુધવારે બપોરથી શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. આવી સ્થિતિમાં, મુંબઈ અને તેના ઉપનગરોમાં ભારે વરસાદની ચેતવણી વચ્ચે શાળાઓ અને કોલેજો બંધ રહેશે.
મુંબઇ પોલીસે કરી વિનંતી
મુંબઈમાં ભારે વરસાદને કારણે શાળા શિક્ષણ મંત્રી દીપક કેસરકરે રજા જાહેર કરી છે. આ પછી BMCએ એક આદેશ જાહેર કરીને કહ્યું કે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને BMCના અધિકારક્ષેત્ર હેઠળની તમામ શાળાઓ અને કોલેજો ગુરુવારે બંધ રહેશે. મુંબઈ પોલીસે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર ટ્વિટ કર્યું છે.મુંબઈના રહેવાસીઓને વિનંતી કરવામાં આવે હતી કે કામ વિના ઘરની બહાર ન નીકળો. કૃપા કરીને સુરક્ષિત રહો. કોઈપણ ઈમરજન્સીના કિસ્સામાં 100 ડાયલ કરો.
અહીં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે એલર્ટ જાહેર કરતા જણાવ્યું કે મુંબઈ, થાણે, રાયગઢ અને રત્નાગિરી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે પવન અને ગાજવીજ સાથે વીજળી અને ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગે પાલઘર અને સિંધુદુર્ગના દરિયાકાંઠાના જિલ્લાઓ માટે 'ઓરેન્જ એલર્ટ' આપ્યું છે. જેમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. વિવિધ સ્થળોએ વીજળી અને ભારે પવનની પણ શક્યતા છે.
ફ્લાઇટ, શાળા કોલેજ પ્રભાવિત
હવામાન વિભાગે આજે પુણે જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આવી સ્થિતિમાં જિલ્લા કલેક્ટર ડૉ. સુહાસ દીવસે આજે પુણે અને પિંપરી ચિંચવડની તમામ શાળા-કોલેજો માટે જાહેર રજાની જાહેરાત કરી છે. મુંબઈમાં બુધવારે સાંજે ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા હતા.
મુંબઇમાં ભારે વરસાદ અને ભારે પવનને કારણે ઘણી ફ્લાઈટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી. રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે વાહનો ધીમી ગતિએ આગળ વધી રહ્યા હતા. મુંબઈ એરપોર્ટ પર સ્પાઈસ જેટ, ઈન્ડિગો અને વિસ્તારાની ફ્લાઈટને અસર થઈ હતી. કંપનીઓએ બદલાતી હવામાન પેટર્નને કારણે અસરગ્રસ્ત ફ્લાઇટ્સ વિશે સોશિયલ મીડિયા પર માહિતી શેર કરી હતી.









