- મુંબઇમાં ભારે વરસાદ
- અનેક જગ્યાએ ભરાયા વરસાદી પાણી
- ગ્રેન્ડ રોડ પર એક બાલ્કનીનો ભાગ થયો ધરાશાયી
મુંબઈમાં વરસાદથી તબાહી મચી છે. ઠેર ઠેર અનેક જગ્યાએ પાણી ભરાયા છે. રેલવે ટ્રેક પર પાણી ભરાતા રેલ સેવા પણ પ્રભાવિત થઇ છે. તેવામાં મુંબઈના ગ્રાન્ડ રોડ પર એક રહેણાંક મકાનનો બાલ્કનીનો ભાગ ધરાશાયી થઇ ગયો. જેમાં એકનું મોત જ્યારે 3 લોકો ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોચ્યા હતા.
એક મહિલાનું મોત
જો કે હાલમાં કાટમાળ નીચે હજુ પણ કેટલાક લોકો દટાયા હોવાની આશંકા છે. ઘટના બાદ બિલ્ડિંગમાંથી સાત લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. MHADA દ્વારા આ ઈમારત ખાલી કરવા માટે પહેલા જ નોટિસ આપવામાં આવી હતી. ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું કે રૂબિન્નિસા મંઝિલ નામની ઈમારત ગ્રાન્ડ રોડ રેલવે સ્ટેશન પાસે સ્લીટર રોડ પર આવેલી છે. તેમણે જણાવ્યું કે આ ઘટના સવારે 11 વાગ્યાની આસપાસ બની હતી.
3 લોકો હોસ્પિટલમાં
અધિકારીએ કહ્યું, "બાલ્કનીનો એક ભાગ તૂટી પડતાં ચાર લોકો ઘાયલ થયા હતા તેઓને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં મહિલાને મૃત જાહેર કરવામાં આવી હતી જ્યારે અન્ય ત્રણને સારવાર આપવામાં આવી રહી છે.
સાત લોકોને બચાવી લેવાયા
અધિકારીના જણાવ્યા અનુસાર, આ મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (MHADA)ની જૂની ઈમારત છે, જેને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા જોખમી જાહેર કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આ બિલ્ડિંગને અગાઉ પણ નોટિસ આપવામાં આવી હતી. અધિકારીના જણાવ્યા અનુસાર ઘટના બાદ બિલ્ડિંગમાંથી સાત લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.









