[[$googlead]]
મુંબઈગરાઓ માટે હાલ વરસાદને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડ્યો. ગઇ કાલે તો અવિરત વરસાદ વરસતા મુંબઇ આખુ પાણી પાણી થઇ ગયુ હતું. ત્યારે આજે પણ મુંબઇમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
યલો એલર્ટ જાહેર
ભારતીય હવામાન વિભાગ (IMD) ના તાજેતરના અપડેટ મુજબ મંગળવારે શહેરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. મુંબઇ અને તેના ઉપનગરોમાં સામાન્ય રીતે વાદળછાયું આકાશ અને મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વીજળી અને તોફાની પવનો આવવાની પણ શક્યતા છે. IMD મુંબઈના ડિરેક્ટર શુભાંગી ભુતેના જણાવ્યા અનુસાર મંગળવારે પણ શહેરમાં યલો એલર્ટ ચાલુ રહેશે. સોમવારે વધુ તીવ્ર ચેતવણીઓ જાહેર કરવામાં આવી છે, જેમાં IMD દ્વારા છૂટાછવાયા સ્થળોએ વાવાઝોડા અને ભારે વરસાદની શરૂઆતી યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.
આ વિસ્તારોમાં પાણી ભરાયેલા
મંગળવારે ભારે વરસાદને કારણે ખારના વિસ્તારોમાં ખાસ કરીને નેશનલ કોલેજ નજીક સ્વામી વિવેકાનંદ રોડની આસપાસ પાણી ભરાઈ ગયા હતા. શેરીઓ આંશિક રીતે પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. જેના કારણે વાહનો અને રાહદારીઓને પાણી ભરાયેલા વિસ્તારોમાંથી પસાર થવું પડ્યું હતું. મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જવાથી ટ્રાફિક ધીમો પડી ગયો હતો. ખાસ કરીને ભીડના સમયે મુસાફરોને અસર થઈ હતી.
મહારાષ્ટ્રમાં રેડ એલર્ટ
આ ઉપરાંત મહારાષ્ટ્રમાં આજે વરસાદને લઇને રેડ એલર્ટ અપાયુ છે. સિંધુદુર્ગ, રત્નાગિરીમાં ભારે વરસાદનું એલર્ટ અપાયુ છે. આ ઉપરાંત પુણે અને રાયપુરમાં ઓરેન્જ એલર્ટ અપાયુ છે. હિંગોલી, નાંદેડ, પરભણીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયુ છે. પુણે, સતારા અને કોંકણ-ગોવા જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ખીણ વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે. આ સ્થિતિ 30 મે સુધી ચાલુ રહી શકે છે.









