આંધ્ર પ્રદેશમાં તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ભેળસેળનો વિવાદ શમ્યો નથી ત્યાં તો મુંબઇના સુપ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિરના પ્રસાદની શુદ્ધતાને લઇને સવાલો ઉભા થયા છે. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં મંદિરના પ્રસાદમાં ઉંદરના બચ્ચા મળી આવ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. આ વીડિયો વાયરલ થતા અનેક તર્ક વિતર્ક શરૂ થઇ ગયા છે. આ મામલે મંદિર ટ્રસ્ટ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. ત્યારે આવો જાણીએ સોશિયલ મીડિયામાં ફરતો આ વીડિયો વિશે મંદિર ટ્રસ્ટ શું કહે છે.
વાયરલ વીડિયો અંગે ટ્રસ્ટની સ્પષ્ટતા
મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરના પ્રસાદનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં મંદિરના લાડુના પ્રસાદમાં ઉંદરોના બચ્ચા જોવા મળી રહ્યા છે, જે બાદ સિદ્ધિવિનાયક મંદિરના લાડુના પ્રસાદની સ્વચ્છતા અને સુરક્ષાને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. મામલો સામે આવતા મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે વીડિયો જોયા બાદ એવું નથી લાગતું કે મંદિરની અંદરના આ વીડિયો વિઝ્યુઅલ છે. મંદિર ટ્રસ્ટનું કહેવું છે કે આ કોઈ અન્ય જગ્યાએથી વિઝ્યુઅલ હોઈ શકે છે અને ટ્રસ્ટને બદનામ કરવાનો પ્રયાસ હોઇ શકે છે.
સ્વચ્છતાનું રખાય છે ખાસ ધ્યાન
ટેમ્પલ ટ્રસ્ટના પ્રમુખ સદા સરવંકરે કહ્યું કે મીડિયામાં જે જગ્યા બતાવવામાં આવી છે તે મંદિર સંકુલનો ભાગ નથી. મંદિરમાં લાડુ બનાવવા માટે 25 કર્મચારીઓ છે, જેઓ ચોવીસ કલાક શિફ્ટમાં કામ કરે છે. સાથે જ તેમણે કહ્યું કે આવી અસ્વચ્છ સ્થિતિ સર્જાય તેવી સંભાવના જ નથી. મંદિર પરિસરનું નિરીક્ષણ કરવામાં આવ્યુ છે જ્યાં ક્યાંય પણ સ્વચ્છતા અને સુરક્ષાના પ્રોટોકોલનું પાલન કરવાની સાથે સ્વચ્છતાનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે. ખાસ કરીને પ્રસાદ સ્થાનમાં તો સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે તેમ જણાવ્યું.
અમારી પ્રતિષ્ઠાને નુકસાન કરવાનો પ્રયાસ- ટ્રસ્ટના પ્રમુખ
આ સાથે ટ્રસ્ટ પ્રમુખે વધુમાં જણાવ્યું કે અમારી પ્રતિષ્ઠાને નુકસાન કરવાનો પ્રયાસ હોઇ શકે છે ખાસ કરીને મંદિરના બ્યુટીફીકેશન પ્રોજેકટની જાહેરાત બાદ. તેમણે કહ્યું કે મંદિર તેના પ્રસાદમાં પ્રીમિયમ ઘી સહિત ઉચ્ચ ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરે છે. પાણીથી લઈને કાચા માલ સુધીના દરેક સામગ્રીનો ઉપયોગ કરતા પહેલા પ્રયોગશાળામાં પરીક્ષણ કરવામાં આવે છે. ત્રણ સરકારી અધિકારીઓ ધારા ધોરણોનું કડક પળે પાલન થાય તે માટેની કામગીરી પર નજર રાખે છે.
(disclaimer: સંદેશ ન્યૂઝ આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી)









