• મુસ્લિમ ક્વોટા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં કર્ણાટક સરકારનો જવાબ

  • કર્ણાટકની ભાજપ સરકારે તાજેતરમાં જ મુસ્લિમ ક્વોટા રદ કર્યો હતો
  • ભાજપ મુસ્લિમ અનામતના મુદ્દાને ચૂંટણી પ્રચાર અને રેલીઓમાં સતત ઊછાળી

કર્ણાટકમાં મુસ્લિમ સમુદાયને મળતું 4 ટકા અનામત હટાવવા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં હાલ દલીલો ચાલી રહી છે. કોર્ટે આ મુદ્દે કર્ણાટક સરકાર પાસેથી જવાબ માગ્યો હતો. જેની પર સોગંદનામું દાખલ કરાયું છે. રાજ્ય સરકારે કોર્ટને કહ્યું હતું કે મુસ્લિમોને ધર્મના આધારે જે અનામત અપાઇ હતી તે ગેરબંધારણી છે કારણ કે તેની કોઇ જોગવાઇ જ નથી. સરકારે કહ્યું હતું કે તે બંધારણના આર્ટિકલ 14, 15 અને 16નો સીધો ભંગ છે. એટલું જ નહીં સરકારે ત્રણ દાયકા જૂના મુસ્લિમ અનામતને ન્યાયની વ્યાખ્યા અને સેક્યુલરિઝમ વિરુદ્ધ પણ ગણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે કર્ણાટકની બોમ્માઇ સરકારે મુસ્લિમોના એક વર્ગને ઓબીસી કેટેગરી હેઠળ ચાર ટકા અનામત આપી હતી. આ ક્વોટાને ભાજપ સરકારે ફગાવી દીધો હતો.

જે નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારાયો છે. અરજીના જવાબમાં કર્ણાટક સરકારે કહ્યું હતું કે બંધારણ અનુસાર અનામતનો ઉદ્દેશ્ય એ છે કે તેવા લોકો માટે પગલાં ભરવામાં આવે જે સમાજમાં ઐતિહાસિક રીતે પછાત રહ્યા છે અને ભેદભાવનો શિકાર રહ્યા છે. બેકવર્ડ ક્લાસમાં કેટલીક જાતિઓની વાત કહેવાઇ છે. પૂરી વાત એ છે કે આ પછાતપણું સમાજના એક વર્ગના રૂપમાં કહેવાઇ છે કોઇ ધર્મના વિશે નહીં.

ઉલ્લેખનીય છે કે ચૂંટણી પહેલાં ભાજપ સરકારે મુસ્લિમ ક્વોટા રદ કરી વોક્કાલિગા અને લિંગાયત સમુદાયના ક્વોટામાં બે-બે ટકાનો વધારો કર્યો હતો. ભાજપના તમામ નેતાઓ મુસ્લિમ અનામતના મુદ્દાને ચૂંટણી પ્રચાર અને રેલીઓમાં સતત ઊછાળી રહ્યા છે.

સરકારે અરજી સામે જ સવાલ ઉઠાવ્યો

મુસ્લિમ અનામત રદ કરાવા મુદ્દે દાખલ અરજી સામે જ કર્ણાટક સરકારે સવાલ ઉઠાવ્યો હતો. કર્ણાટક સરકારે કહ્યું હતું કે આ અરજીને પહેલા કર્ણાટક હાઇકોર્ટમાં પણ દાખલ કરવામાં આવી શકતી હતી પરંતુ હાઇકોર્ટમાં ન જઇને સીધા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવાનું વલણ શા માટે અપનાવવામાં આવ્યું તે સમજ બહાર છે.


  • Follow us on: