સતત વરસાદ બાદ ભારે ભૂસ્ખલનને કારણે દીમાપુરને જોડતો રસ્તો કોહિમામાં ઘણી જગ્યાએ ધરાશાયી થતા આવતા-જતા વાહનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અનેક ગામોના સંપર્ક તૂટ્યા છે. પ્રવાસે ગયેલા પ્રવાસીઓ અટવાયા છે.
નાગાલેન્ડમાં સતત વરસાદ બાદ ભારે ભૂસ્ખલન
નાગાલેન્ડના ચુમુકેડિમા જિલ્લાના ફેરીમા ગામમાં ગઈકાલે રાત્રે લગભગ 11 વાગ્યે એક વિશાળ ભૂસ્ખલનને કારણે ઓછામાં ઓછા ત્રણના મોત થયા હતા અને ઘણા લોકો ગુમ થયા હોવાની માહિતી મળી રહી છે. દીમાપુર પોલીસ અને ચુમુકેડિમા વહીવટીતંત્ર ગઈકાલે રાતથી જ પરિસ્થિતિનો તાગ મેળવવા સ્થળ પર છે. ભૂસ્ખલનને કારણે દિમાપુર-કોહિમા હાઈવે ચુમૌકેદીમા ચેક ગેટ પાસે સંપૂર્ણપણે વાહન વ્યવ્હાર ખોરવાયો છે. મળતી માહિતી મુજબ, ગઈકાલે રાત્રે એક મૃતદેહ મળી આવ્યો હતો અને રાત સુધી ચાલેલી શોધ અને બચાવ કામગીરી બાદ આજે સવારે વધુ બે મૃતદેહ મળી આવ્યા હતા.
ભૂસ્ખલન થતા NDRFની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરી
નાગાલેન્ડના CM નેફિયુ રિયોએ જણાવ્યું હતું કે, અવિરત વરસાદને કારણે NH-29 પર મોટા પાયે થયેલા વિનાશથી હું ખૂબ જ ચિંતિત છું. સત્તાવાળાઓ સ્થળ પર પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા છે અને અસરગ્રસ્તોને મદદ કરી રહ્યા છે. રાજ્ય સરકાર તાત્કાલિક પગલાં લેવા અને વહેલામાં વહેલી તકે સામાન્ય સ્થિતિ કરવા પર કામગારી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. સતત વરસાદ બાદ ભારે ભૂસ્ખલનને કારણે દીમાપુરને જોડતો રસ્તો કોહિમામાં ઘણી જગ્યાએ ધરાશાયી થતા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.









