મહારાષ્ટ્રના નાગપુરમાં હિટ એન્ડ રનની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. જેમાં અનિયંત્રિત ઓડી કારે અનેક વાહનોને ટક્કર મારતા બે યુવકો ઇજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી મુજબ આ કાર મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેના પુત્ર સંકેતના નામે રજીસ્ટર છે. પોલીસ હવે આ મામલે તપાસ કરી રહી છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
ક્યાં બની ઘટના
આ ઘટના રામદાસપેઠ વિસ્તારમાં બની હતી. સીતાબલ્ડી પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા અનુસાર અકસ્માત રવિવારે રાત્રે 1 વાગ્યે થયો હતો. ઓડી કારે પહેલા જીતેન્દ્ર સોનકામ્બલેની પોલો કારને ટક્કર મારી હતી. ત્યારબાદ અન્ય કેટલાક વાહનોને પણ ટક્કર મારીને ટુ વ્હિલર સાથે અથડાઈ હતી. જેના કારણે મોપેડ પર સવાર બંને યુવાનો ઘાયલ થયા હતા. ઘટનાને પગલે ઓડીમાં સવાર લોકો ત્યાંથી ભાગી ગયા હતા. પરંતુ પોલો કાર ચાલકે તેમનો પીછો કર્યો હતો.
ઓડી કારમાં સવારને કરાયા પોલીસ સ્ટેશન ભેગા
મનકાપુર પુલ પાસે જઇને ઓડી કારને રોકી લીધી હતી. કારમાં સવાર સંકેત બાવનકુલે સહિત 3 લોકો તો ભાગી ગયા. પરંતુ ઓડી કાર ચલાવી રહેલા અર્જુન હાવરે અને રોનિત ચિત્તમવારને પોલો કારમાં મુસાફરી કરી રહેલા લોકોએ પકડી લીધા હતા. ત્યારબાદ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો.
કાયદો દરેક માટે સમાન- ચંદ્રશેખર
બીજી તરફ મહારાષ્ટ્ર બીજેપીના વડા ચંદ્રશેખર બાવનકુલેએ સ્વીકાર્યું કે ઓડી કાર તેમના પુત્ર સંકેતના નામે રજીસ્ટર છે. ભાજપના વરિષ્ઠ નેતાએ કહ્યું કે પોલીસે કોઈપણ પક્ષપાત વિના અકસ્માતની સંપૂર્ણ અને નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ. દોષિતો સામે કાર્યવાહી થવી જોઈએ અને તેમની સામે યોગ્ય પગલાં લેવા જોઈએ. કાયદો દરેક માટે સમાન હોવો જોઈએ.









